રામ મંદિર અને બદ્રીનાથ બાદ હવે બગલામુખી મંદિરમાં દાન ચોરી: તપાસનાં આદેશ

ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં રામ મંદિર અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ બાદ હવે મધ્ય પ્રદેશનાં આગર-માલવા જિલ્લામાં આવેલાં વિશ્વ પ્રસિદ્ધ મા બગલામુખી મંદિરમાં પણ દાન અને ચઢાવાની ચોરીનો મામલો સામે આવ્યો છે.
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં નાણાકીય ગેરરીતિઓ થતી હોવાની અને ખાનગી બેંક ખાતાઓમાં દાન લેવાતું હોવાની ગંભીર ફરિયાદો પ્રશાસનને મળી હતી. મામલાની ગંભીરતાને જોતાં આગર-માલવા જિલ્લાનાં કલેક્ટર પ્રીતિ યાદવે કડક વલણ અપનાવીને તાત્કાલિક ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી દીધી છે. જિલ્લા પંચાયતનાં સીઈઓ બી.એસ. સોલંકીના અધ્યક્ષપણા હેઠળ બનેલી આ સમિતિને આગામી 7 દિવસમાં મંદિરનાં બેંક ખાતાઓ, રસીદ બુક અને તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરીને પોતાનો અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી સમિતિ સિવાયની બિન-સરકારી વ્યક્તિઓ દ્વારા રોકડ અને સોના-ચાંદીના રૂપમાં ગેરકાયદેસર ઉઘરાણું કરાતું હોવાની આશંકા છે. આ વિવાદ સામે આવ્યાં બાદ રાજકીય ગરમાવો પણ આવી ગયો છે, જ્યાં કોંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, ધર્મસ્વ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવી રહી હતી અને આ કેસમાં જે પણ દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે આગામી સમયમાં દર ત્રણ મહિને મંદિરનું ઓડિટ કરાવવાની અને શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે ક્યુઆર કોડ દ્વારા ડિજિટલ દાન લેવાની વ્યવસ્થા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ