દૃેશના અનેક ભાગોમાં ચોમાસુ આફત બન્યુ
ગુજરાતમાં મેઘરાજાએ બ્રેક લીધો હોવા છતાં આસામ-કેરળ જેવા રાજ્યોમાં વરસાદી આફત યથાવત જ છે. આસામમાં અત્યાર સુધીમાં 87 લોકોના મોત નિપજ્યા છે અને સવા લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે.
કેરળમાં 15 લોકોનો ભોગ લેવાયો, આસામમાં આવેલા પૂરમાં વધુ બે લોકોના મોત થયા છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે તેના અહેવાલમાં જણાવ્યું છે કે બંને મૃત્યુ શિવસાગર જિલ્લામાં થયા છે. આ સાથે રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 87 પર પહોંચી ગયો છે. સોમવારે જાહેર કરાયેલા બુલેટિન મુજબ, સાત જિલ્લાઓમાં પૂરથી 1.28 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સરકારે પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત 75,000થી વધુ પરિવારો માટે આશરે રૂા.160 કરોડની વચગાળાની રાહતનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દિબ્રુગઢથી વચગાળાની રાહતનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લામાં ગંભીર રીતે નુકસાન પામેલા ઘરો ધરાવતા લગભગ 75,000 પરિવારોને રૂા.15,000 મળ્યા છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ અસરગ્રસ્ત પાત્ર પરિવારોને સબસિડી પણ જાહેર કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશમાં ચોમાસામાં વરસાદ, પુર અને ભૂસ્ખલનની ઘટનાએ 90 લોકોના જીવ લીધા છે, પુર-ભૂસ્ખલન-વરસાદના કારણે 109 જેટલા માર્ગો બંધ થઈ ગયા છે, જયારે 54 વર્ષ જૂનો પુલ તણાઈ ગયો છે.
કિન્નોરમાં નેશનલ હાઈવે પર એક કાર સતલુજ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા હતા. હિમાચલમાં નદી-નાળાનું જળસ્તર ઘણી હદ સુધી વધી ગયું છે.
સોમવારે કુલુ જિલ્લાનું નિરચંડમાં પ્રાથમીક શાલા પાંકવાનું ભવન ભૂસ્ખલનમાં ધ્વસ્ત થઈ ગયું હતું. સફરજનના 500 જેટલા છોડ તબાહ થઈ ગયા હતા.
સિરમોર જિલ્લામાં પાંવટા સાહિબ ઉપમંડળની બાતા નદી પર 1962માં બનેલો પુલ સોમવારે ભારે વહેણના કારણે તુટી ગયો હતો. કેટલાક દિવસ પર પિલર ત્રાંસો થવાથી પુલ તુટવાના આરે હતો જેથી તેના પર અવર-જવર ઘટાડી દેવાઈ હતી.રવિવારે સીમલામાં ઠિયોગ બાયપાસ પર ભૂસ્ખલનથી રસ્તાની સાઈડમાં ઉભેલી કાર પર પહાડ પરથી કાટમાળ અને પથ્થર પડયા હતા.
