આજના સમયમાં લોકો દરેક ઋતુમાં પ્રવાસ કરવાના શોખીન બન્યા છે. શિયાળો-ઉનાળો હોય કે ચોમાસું, ફરવા ઉપડી જવું હવે ટ્રેન્ડ બની ગયો છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં પર્વતોની લીલોતરી અને ધુમ્મસવાળું વાતાવરણ લોકોને ખૂબ આકર્ષે છે. પરંતુ યાદ રાખો કે આ જ સુંદરતા ક્યારેક મોટી આફત બની શકે છે. ચોમાસા દરમિયાન હિલ સ્ટેશનો પર પહાડો ધસી પડવા (ભૂસ્ખલન), પૂર આવવું, વાદળ ફાટવું અને રસ્તાઓ ધોવાઈ જવા જેવી જીવલેણ ઘટનાઓ સામાન્ય બને છે. જો તમે પણ આ દિવસોમાં પ્રવાસનું વિચારી રહ્યા છો, તો નીચેના સ્થળોએ જવાનું બિલકુલ ટાળજો.
૧. ઉત્તરાખંડના હિલ સ્ટેશનો (મસૂરી અને નૈનિતાલ)
વરસાદના દિવસોમાં પહાડી રાજ્યોમાં જવું સૌથી વધુ જોખમી છે. ઉત્તરાખંડના મસૂરી, નૈનિતાલ, જોશીમઠ તેમજ ચારધામ યાત્રાના રૂટ (કેદારનાથ-બદ્રીનાથ) પર ભૂસ્ખલનની ઘટનાઓ ખૂબ વધી જાય છે. પહાડો પરથી મોટા પથ્થરો રોડ પર પડવાને કારણે પ્રવાસીઓ દિવસો સુધી રસ્તામાં જ ફસાયેલા રહે છે. ઉપરાંત નદીઓ તોફાની બનતા પૂરનો ખતરો પણ રહે છે.
૨. હિમાચલ પ્રદેશ (કુલ્લુ-મનાલી)
કુલ્લુ, મનાલી અને શિમલા જેવા લોકપ્રિય સ્થળો ચોમાસામાં મોતના કૂવા સમાન સાબિત થઈ શકે છે. પાછલા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો ચોમાસામાં વાદળ ફાટવાથી કે હિમપ્રપાત થવાથી અહીં સેંકડો પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. વ્યાસ નદીના ધસમસતા પ્રવાહ અને તૂટી પડતા રસ્તાઓને કારણે ટૂરિસ્ટો માટે આ ઋતુમાં હિમાચલ જવું હિતાવહ નથી.
૩. પશ્ચિમ બંગાળ (દાર્જિલિંગ)
ચાના બગીચાઓ માટે પ્રખ્યાત દાર્જિલિંગ વરસાદમાં ખૂબ સુંદર લાગે છે, પણ અહીં પહોંચવું મુશ્કેલ બની જાય છે. આ ઋતુમાં અહીંની મુખ્ય તીસ્તા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. નદીના ભારે પૂરને કારણે આસપાસના પુલ અને રસ્તાઓ ધોવાઈ જાય છે અને ભૂસ્ખલનને લીધે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે.
૪. કેરળ (વાયનાડ)
ચોમાસામાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પણ ભારે આફત સર્જાય છે. ખાસ કરીને વાયનાડ જેવા પહાડી વિસ્તારોમાં પેરિયાર, પમ્બા અને કાબિની જેવી નદીઓ બે કાંઠે વહેવા લાગે છે. કેરળના નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેથી ત્યાં જવું મુશ્કેલી વહોરવા સમાન છે.
૫. પૂર્વોત્તર રાજ્યો અને દરિયાકાંઠાના વિસ્તારો
જો તમે આસામ કે અરુણાચલ પ્રદેશ તરફ જવાનું વિચારતા હોવ તો પ્લાન કેન્સલ કરજો, કારણ કે આસામમાં ચોમાસા દરમિયાન બ્રહ્મપુત્રા નદી આખા રાજ્યને પૂરમાં ગરકાવ કરી દે છે. આ સિવાય મુંબઈ કે ગોવા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ઠપ્પ થઈ જતું હોવાથી ત્યાં જવાનું પણ ટાળવું જોઈએ.
