જો તમે શાકાહારી છો અને કંઈક હેલ્ધી તેમજ ટેસ્ટી ખાવા ઈચ્છો છો, તો રાજમા કબાબ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે. સામાન્ય રીતે દરેક ઘરમાં રાજમાનું શાક તો બનતું જ હોય છે, પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ સ્વાદિષ્ટ કબાબ બનાવી શકો છો. આ કબાબ ખાવામાં એટલા સોફ્ટ હોય છે કે મોંમાં મૂકતા જ ઓગળી જાય છે. તે બાળકો માટે સાંજના નાસ્તા તરીકે અથવા કોઈપણ હોમ પાર્ટી માટે બેસ્ટ સ્ટાર્ટર મેનૂ બની શકે છે.
જે લોકો વજન ઘટાડવા માંગે છે (Weight Loss) તેમના માટે આ ડાયેટનો શ્રેષ્ઠ હિસ્સો છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તો ચાલો નોંધી લો આ ઈન્સ્ટન્ટ રેસીપી:
જરૂરી સામગ્રી:
બાફેલા રાજમા
દૂધી (છીણેલી)
ડુંગળી, આદુ અને લસણ (ઝીણા સમારેલા)
કાજુ (પલાળેલા)
ઘી અથવા તેલ
ચણાનો લોટ (બેસન)
આખા મસાલા (તમાલપત્ર, તજ)
મસાલા (ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું, કસૂરી મેથી અને મીઠું)
બનાવવાની સરળ વિધિ:
(વઘાર અને શાકભાજી):
સૌ પ્રથમ એક પેનમાં થોડું ઘી ગરમ કરો. તેમાં ૧ તમાલપત્ર અને તજનો નાનો ટુકડો ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું આદુ-લસણ ઉમેરી સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી શેકો. ડુંગળી શેકાઈ ગયા પછી, તેમાં આશરે ૧.૫ થી ૨ કપ છીણેલી દૂધી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. દૂધીનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી તેને બરાબર ચડવા દો.
(પેસ્ટ અને મસાલા):
આ તૈયાર થયેલા મિશ્રણને થોડું ઠંડુ કરીને મિક્સર જારમાં લો. તેમાં ૧૨-૧૩ પલાળેલા કાજુ અને આશરે ૩૦-૪૦ ગ્રામ પલાળેલા અને બાફેલા રાજમા ઉમેરીને એક ઘટ્ટ (Smooth) પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ફરીથી પેનમાં કાઢો અને તેમાં બાઈન્ડિંગ માટે ૧ ચમચી ચણાનો લોટ, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું, કસૂરી મેથી અને મીઠું ઉમેરીને મિક્સ કરો.
(કબાબનું મિશ્રણ):
આ મિશ્રણને ધીમા તાપે ત્યાં સુધી રાંધો જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય અને પેનની કિનારીઓ છોડવા ન લાગે. મિશ્રણ બરાબર તૈયાર થઈ જાય એટલે તેને ગેસ પરથી ઉતારી સંપૂર્ણપણે ઠંડુ થવા દો. ત્યારબાદ હાથ પર સહેજ તેલ લગાવીને આ મિશ્રણમાંથી મનપસંદ કબાબ અથવા ટીક્કીનો આકાર આપો.
(શેકવાની રીત):
હવે એક નોન-સ્ટિક તવા અથવા પેનમાં બિલકુલ ઓછું તેલ કે ઘી લો. તૈયાર કરેલા કબાબને મધ્યમ આંચ પર બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
બસ, તમારા ગરમાગરમ હેલ્ધી અને પ્રોટીનયુક્ત રાજમા કબાબ તૈયાર છે! તેને લીલી ચટણી, ડુંગળીના લચ્છા અથવા ગરમ રોટલી સાથે સર્વ કરો.
