રાજૂલામાં પાસિંગ કેમ્પ બંધ થતા 24 હજાર વાહન ચાલકોે પરેશાન : 130 કિ.મી દૂર ખાવો પડે છે ધક્કો

એક બાજુ વડાપ્રધાન ડીઝલ બચાવવાની વાત કરે છે ત્યારે
રાજૂલામાં કાયમી પાસિંગ સેન્ટર શરૂ ન થાય ત્યા સુધી દર મહિને એક કેમ્પ શરૂ કરાવો: વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત

રાજુલા, જાફરાબાદ, ખાંભા, મહુવા અને ઉના પંથકના વાહન ચાલકો, કોન્ટ્રાક્ટરો અને ખેડૂતો વાહન પાસિંગ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીઝલની અછત વચ્ચે સ્થાનિક લોકોને 130 કિલોમીટર દૂર અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામે ખાનગી સેન્ટરમાં જવાની ફરજ પડી રહી છે.એક વર્ષ પહેલા સુધી રાજુલા ખાતે આર.ટી.ઓ. દ્વારા નિયમિત પાસિંગ કેમ્પ યોજાતા હતા. પરંતુ ખાનગી કંપનીને અમરેલીથી પણ દૂર ઇશ્વરીયા ગામે એજન્સી ફાળવી દેવાતા હવે આ વિસ્તારના લોકોને મોંઘા ભાડા અને ડીઝલ બાળીને 130 કિમીનો ધક્કો ખાવો પડે છે. ઘણીવાર ત્યાં લાઈટ ન હોય કે સર્વર બંધ હોય તો વાહન ચાલકોએ રાત રોકાવાની નોબત પણ આવે છે.રાજુલાથી મહુવા 40 કિમી અને ઉના 50 કિમી દૂર છે. આ ત્રણ તાલુકાના 20 થી 25 હજાર જેટલા વાહનોને ધ્યાને લઈ રાજુલા ખાતે કાયમી પાસિંગ સેન્ટર મંજૂર કરવું અત્યંત જરૂરી બન્યું છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં 5000 થી વધુ આધુનિક વાહનો, ખેતીના ટ્રેક્ટર, ઉંઈઇ, લોડર જેવા વાહનો છે.
આ અંગે રાજુલાના કોન્ટ્રાક્ટર અને સામાજિક આગેવાન શિરીષભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી તથા વાહન વ્યવહાર કમિશનર, ગાંધીનગરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે અગાઉ આર.ટી.ઓ.માં ઇન્સ્પેક્ટરો ઓછા હોવા છતાં દર મહિને રાજુલામાં પાસિંગ કેમ્પ યોજાતા હતા. હાલ અમરેલી આર.ટી.ઓ. કચેરીમાં નવ જેટલા ઇન્સ્પેક્ટરોનો પૂરો સ્ટાફ છે, છતાં કેમ્પ બંધ કરી દેવાયા છે.શિરીષભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ’ડીઝલ, પૈસા અને સમય બચાવો’ ની વાત કરે છે. ત્યારે જ્યાં સુધી રાજુલાને કાયમી પાસિંગ સેન્ટર મંજૂર ન થાય ત્યાં સુધી, અગાઉની જેમ દર મહિને એક કેમ્પ તો શરૂ કરવો જ જોઈએ. ખાસ કરીને એક વર્ષ પૂરતા કેમ્પ શરૂ કરવામાં આવે તો પણ લોકોને મોટી રાહત થશે. આ બે માંગણીમાંથી કોઈપણ એક માંગણી તાત્કાલિક સ્વીકારાય તેવી અમારી રજૂઆત છે. સ્થાનિકોની મુખ્ય માંગણીઓમાં કાયમી પાસિંગ સેન્ટર રાજુલા ખાતે ટેસ્ટિંગ યુનિટ સાથે ખાનગી પાસિંગ સેન્ટર મંજૂર કરવાની માસિક કેમ્પ સેન્ટર મંજૂર ન થાય ત્યાં સુધી દર મહિને એક દિવસ રાજુલામાં આર.ટી.ઓ. પાસિંગ કેમ્પ શરૂ કરવાની તાત્કાલિક રાહત એક વર્ષ પૂરતા કેમ્પ શરૂ કરીને ખેડૂતો-કોન્ટ્રાક્ટરોને રાહત આપવાની છે.

રિલેટેડ ન્યૂઝ