મેંદરડાના ડેડકિયાળ ગામનો બનાવ : પરિવારમાં કલ્પાંત
જૂનાગઢ જિલ્લામાં વન્યજીવોના વધતા હુમલા વચ્ચે હવે દીપડાના આતંકથી ગ્રામીણ વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મેંદરડા તાલુકાના ડેડકિયાળ ગામે દીપડાના જીવલેણ હુમલામાં 5 વર્ષની માસૂમ બાળકીનું કમ કમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ડેડકિયાળ ગામમાં થોભણ ભાઈ કોરાટની વાડીમાં ભાગીયા તરીકે રહીને ખેત મજૂરી કરતા પરિવારની પાંચ વર્ષની દીકરી પ્રિશા 23 સપ્ટેમ્બર ની રાત્રે આશરે 8 થી 8:30 વાગ્યાની આસપાસ ઘરના ફળિયામાં રમી રહી હતી. તે દરમિયાન અચાનક ધસી આવેલા દીપડા એ બાળકી પર હુમલો કરી તેને મોંમાં દબાવી ખેતર તરફ ખેંચી ગયો હતો.
હુમલાની ઘટના બાદ પરિવાર અને ગ્રામજનો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને બાળકીની શોધ ખોળ શરૂ કરી હતી. આશરે બે કલાકની ભારે જહેમત બાદ નજીકના સોયા બીનના ખેતર માંથી બાળકીનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.વહાલ સોઈ દીકરીના અકાળે મોતના સમાચારથી માતા- પિતા સહિત સમગ્ર પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગ ઘોર નિંદ્રામાં હતું અને જાણ કર્યાના બે કલાક બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્થાનિકોના આક્ષેપો સામે ડેડકિયાળ રેન્જના આરએફ ઓ (છઋઘ) એચ.ડી. ગળચરે જણાવ્યું હતું કે, સ્ટાફ અગાઉ થી જ હાજર રહીને શોધખોળ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસ પાસની ચારેય રેન્જના 30 થી 35 જેટલા કર્મચારીઓનો સ્ટાફ તાત્કાલિક બોલાવી લેવાયો હતો. તેમણે પરિવાર જનોને સરકારી નિયમ મુજબ મળવા પાત્ર સહાય અને પોસ્ટમોર્ટમ ની કાનૂની પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી હતી.
આ સમગ્ર મામલે છેલ્લી વિગતો આપતાં ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) મોરીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ દ્વારા હાલ ઘટના સ્થળ અને આસપાસ ના સીમ વિસ્તારમાં સઘન કામગીરી ચાલુ છે. અગાઉ મુકવામાં આવેલા પાંજરા ઉપરાંત હવે પાંજરાની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. વન વિભાગની વિવિધ ટુકડીઓ દ્વારા દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દીકરીના કાકા કેતનભાઈ મેરાભાઈ સોલંકી સાથે આજે બપોરે મોબાઈલ પર વાત થતાં જણાવ્યું હતું કે દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ સ્વીકારી લેવામાં આવેલ અને ત્યારબાદ તેની અંતિમ ક્રિયા પણ કરવામાં આવેલ હતી.
પરિવારે સરકાર પાસે 25 લાખની સહાય માંગી
પરિવારજનો અને ગ્રામજનો માં ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વાડીમાં ઘરની સામે જ બાળકી રમી રહી હતી ત્યારે દીપડો તેને ઉપાડી ગયો હતો. ન્યાયની માંગ સાથે પરિવારે સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી દીપડાને પાંજરે પૂરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ બાળકીનો મૃતદેહ સ્વીકારશે નહીં.આ સાથે પરિવારે સરકાર સમક્ષ રૂ. 25 લાખની આર્થિક સહાય ચૂકવવાની પણ માંગણી કરી હતી.
