શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત વડોદરા સીટી કાઉન્સિલ દ્વારા માર્ગદર્શન સેમિનાર પણ યોજાયો: વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો લાભ
વડોદરા ખાતે મહેર સમાજના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયુ હતુ. શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત વડોદરા સીટી કાઉન્સિલ દ્વારા માર્ગદર્શન સેમિનાર પણ યોજાયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત વડોદરા સીટી કાઉન્સિલ દ્વારા વતનથી દૂર વડોદરા ખાતે અભ્યાસ અર્થે આવેલા મહેર સમાજના યુવા વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માર્ગદર્શન અને પરિચય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કે વ્યવસાયિક કારણોસર વતનથી દૂર રહેતા જ્ઞાતિજનો સાથે નું એક મજબૂત સંગઠન તેમજ જ્ઞાતિના કાર્યોથી એકબીજાને વાકેફ કરી શકાય તેવા શુભ આશયથી શ્રી ઇન્ટરનેશનલ -મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જુદા જુદા શહેરોને જોડી સીટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી છે જેના ભાગરૂપે વડોદરા સીટી કાઉન્સિલની પણ રચના કરવામાં આવેલ છે તેમાં વડોદરા ખાતે અભ્યાસ સાથે આવતા જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનો એકબીજાથી પરિચિત થાય તેમજ તેમની શૈક્ષણિક કારકિર્દીના વિચારો આપ લે કરી શકે અને સ્થાનિક કક્ષાએ વસવાટ કરતા મહેર સમાજના જ્ઞાતિજનો સાથે પરસ્પર પરિચય થાય મદદરૂપ થઈ શકે તેવા હેતુથી બરોડા સિટી કાઉન્સિલની રચના કરવામાં આવેલી સાથે સાથે જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક કાર્યોને વધુ વેગમાન બનાવી સંગઠનને મજબૂત કરવાનું પણ પ્રમુખ કાર્યના આધારે બરોડા સિટી કાઉન્સિલની રચના થયેલી છે જેના ભાગરૂપે આજ રોજ બરોડા સિટી કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય માલદે બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો.
આ કાર્યક્રમના શુભારંભના અવસરે બરોડા સિટી કાઉન્સિલના પ્રમુખ જીવાભાઇ કુછડીયાએ વતનથી દૂર બરોડા ખાતે અભ્યાસ અર્થે આવેલા જ્ઞાતિના ભાઈઓ-બહેનોને આવકાર્યા હતા, તથા શ્રી ઇન્ટરનેશનલ-મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા જ્ઞાતિના સર્વાંગી વિકાસ અર્થે કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કર્યા હતા તેમજ બરોડા સીટી કાઉન્સિલ દ્વારા આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવેલું કે વડોદરા વિસ્તારમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોની તેજસ્વી સન્માન સમારંભનું આયોજન સાથે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂરી શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે
મહાનુભાવોનું પ્રેરણાદાયી માર્ગદર્શન
રામભાઈ થાપલીયાએ કોલેજ સમય દરમિયાન કારકિર્દી પર ફોકસ કરવા તેમજ સોશિયલ રહેવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હિરેનભાઈ તરખાલાએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સેટ થવાની બાબતો તેમજ સ્ટાર્ટ-અપ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ભનાભાઈ કેશવાલાએ આઈ.ટી. સિવાયના સ્નાતકો માટે ટી.સી.એસ.જેવી નામાંકિત કંપનીઓમાં રહેલા જોબ સ્કોપ વિશે માર્ગદર્શન આપ્યું હતું.ડો.પરિતા ગોરાણીયા (ગોલ્ડ મેડાલીસ્ટ) દ્વારા કારકિર્દી પર ફોકસ કરવા તથા વિવિધ રિસર્ચ ફંડિંગ અને ફેલોશિપ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હર્ષાબેન વાઘ (મહિલા અને બાલ કલ્યાણ વિભાગ અધિકારી, વડોદરા)એ જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી અને કોણ આપી શકે તે અંગે માર્ગદર્શન આપવાની સાથે આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને વ્યસનમુક્તિ પર ભાર મૂક્યો હતો.
યુ.કે. થી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ સેવક વિમલજીભાઈ ઓડેદરાએ વડોદરા ખાતે યોજાયેલ આ વિદ્યાર્થી સ્નેહમિલનમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવેલ કે, આજનો અને આવતીકાલનો સમય શિક્ષણનો જ છે, તેથી આપ સર્વે વિદ્યાર્થીઓ આપના શૈક્ષણિક લક્ષ્યને મહત્વ આપી ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરો તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી સાથે જ બરોડા ખાતે રહેતા અને સિટી કાઉન્સિલ સાથે જોડાયેલા હોદ્દેદારોએ આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સક્રિય કામગીરી કરી છે તે બદલ તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમનું સુંદર સંચાલન નવઘણભાઈ ઓડેદરાએ કર્યું હતું. તેમણે કોમર્સ ફેકલ્ટીના પ્રોફેશનલ નાતે સી.એ.,સી.એસ., સી.એમ.એ. અને અન્ય શૈક્ષણિક ક્ષેત્રો વિશે માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને સંગઠિત કરવા માટે એક ગ્રુપ બનાવી સરાહનીય મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓનો પરિચય મેળવવામાં આવ્યો હતો અને તેમના ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા થઈ હતી. સમગ્ર સેશન અત્યંત ઇન્ટરેક્ટિવ અને ઉપયોગી રહ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સિટી કાઉન્સિલની મીટિંગ મળી હતી જેમાં ભવિષ્યના અન્ય કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે સૌએ સાથે અલ્પાહાર લઈ પ્રસન્નતાપૂર્વક છૂટા પડ્યા હતા.
