હીરા તળાવ સહિત વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ સફાઈ કામગીરીમાં જોડાયા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઉના તાલુકા પંચાયત અને ઉના નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.એક દિવસ એક કલાક સ્વચ્છતા માટે એકસાથે નાસંદેશ સાથે યોજાયેલા આ અભિયાન માં સરકારી તંત્રના કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ જોડાઈને સ્વચ્છતા કામગીરીમાં સહભાગી બની સ્વચ્છ શહેરનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અભિયાન અંતર્ગત ઉનાના હીરા તળાવ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ વિસ્તાર તેમજ વિવિધ રહેણાંક વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાહેર સ્થળો અને આસપાસના વિસ્તારોમાં એકત્ર થયેલા કચરાનો નિકાલ કરી સ્થળોને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ સ્વચ્છતા અભિયાનમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ સહભાગી બન્યા હતા. ધારાસભ્યશ્રીએ હીરા તળાવ ખાતે યોજાયેલી સફાઈ કામગીરીમાં અન્ય સહભાગીઓ સાથે મળીને સફાઈ કરી સ્વચ્છતા અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. જાહેર પ્રતિનિધિ દ્વારા જાતે સફાઈ કામગીરીમાં જોડાઈ નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી
અભિયાન દરમિયાન સ્વચ્છતા જાળવવા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો, આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો અને સ્વચ્છતા જાળવવામાં સ્થાનિક તંત્રને સહયોગ આપવો જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું.ઉના શહેરમાં તળાવો, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની જનભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ અભિયાન દ્વારા ‘મારું શહેર-મારી જવાબદારી’ની ભાવનાને મજબૂત કરવાનો સંદેશ આપવામાં
આવ્યો હતો
સ્વચ્છતા હી સેવા અંતર્ગત યોજાયેલા આ અભિયાન નો મુખ્ય હેતુ માત્ર એક દિવસ સફાઈ કરવાનો નહીં, પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે કાયમી જાગૃતિ ઊભી કરવાનો રહ્યો હતો. ઉના તાલુકા પંચાયત અને નગરપાલિકાની કામગીરી સાથે નાગરિકો પણ સતત જોડાય તો શહેરના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારો વધુ સ્વચ્છ અને સુંદર બની શકે છે.
હીરા તળાવથી લઈને રહેણાંક વિસ્તારો સુધી સફાઈ કામગીરી દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.એક દિવસ એક કલાક થી શરૂ થયેલી આ પહેલ સ્વચ્છ અને સુંદર ઉના તરફ સામૂહિક પ્રયાસનું પ્રતીક
બની હતી.
