કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ હાલતમાં ચાર ઇસમોને પકડી પાડયા બાદ એક સામે થઇ કાર્યવાહી: અન્ય યુવાનોએ વરસાદથી બચવા માટે સ્મશાનમાં લીધો હતો આશરો: માદક પદાર્થ ઉપરાંત ધાતુની તાંસડી અને ચીલમ થયા કબ્જે
સુભાષનગરના સ્મશાનમાંથી ગાંજા સાથે યુવાન ઝડપાયો હતો તેમની પાસેથી માદક પદાર્થ ઉપરાંત ધાતુની તાંસડી અને ચીલમ કબ્જે થયા હતા.કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ હાલતમાં ચાર ઇસમોને પકડી પાડયા બાદ એક પાસેથી મુદ્ામાલ કબ્જે થયો હતો અને અન્ય યુવાનોએ વરસાદથી બચવા માટે સ્મશાનમાં આશરો લીધો હતો.
હાર્બર મરીન પોલીસના ઇન્સ્પેકટર ચેતનાબેન ખોડાભાઇ કાતરીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અધિકારી પંકજ રોય દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે કોસ્ટગાર્ડના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે સુભાષનગરના દરિયા કિનારે દરગાહની બાજુમાં સ્મશાનમાં ચાર યુવાનો બેઠા હતા. કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડર સનલ શ્રી સુભાષ સૈની, પ્રધાન નાવિક અજયકુમાર જગદીશપ્રસાદ શાહ, અધિકારી સૌરભદાસ સંતોષદાસ તથા પ્રધાન નાવિક આશીષ શ્યામલાલદાસ દ્વારા સ્મશાનમાં ભોયતળીયે ચેક કરતા એક યુવાન બેઠો હતો અને ત્રણ ઇસમો ઉભા હતા બેઠેલા ઇસમ પાસે ધાતુની તાંસળીમાં ગાંજા જેવો માદક પદાર્થ અને બાજુમાં ચીલમ મળી આવી હતી તેથી ચારે યુવાનોને સ્મશાનના બાંકડા પર બેસાડી ચેક કરતા સુભાષનગરના ત્રણ રસ્તે હનુમાન મંદિર પાસે
રહેતા ધીરુ પરબત રાઠોડના કબ્જામાંથી ગાંજો મળી આવ્યો હતો. 36 ગ્રામ ગાંજો, 500 રૂા.ની ધાતુની તાંસળી અને એક ચીલમ કબ્જે કરવામાં આવી હતી.
અન્ય લોકોની પૂછપરછ કરતા એક પોરબંદરના ગીતાનગરમાં ભક્તિ મંદિર પાસે રહેતો ભાવેશ મેરુ કેશવાલા, બીજો છાયાની સીગ્મા સ્કૂલ પાસે રહેતો યશ સુનિલ લાખાણી અને ત્રીજો ગીતાનગર ઘાસ ગોડાઉન પાસે રહેતો મહેશ કરશન બાપોદરા હોવાનું જણાવ્યુ હતુ.તેઓની પૂછપરછ કરતા દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા અને વરસાદ આવવાનો શરુ થતા સ્મશાનની આડસમાં વરસાદથી બચવા માટે ઉભા હોવાનું જણાવ્યુ હતુ. તેમની પાસેથી કશુ શંકાસ્પદ નહી મળી આવતા જવા દેવામા આવ્યા હતા અને એફ.એસ.એલ. અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં તપાસ કરીને ધીરુ પરબત રાઠોડની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી.
