ભવનાથમાં રવાડી સાથે મહાશિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન

લાખો ભાવિકોએ રવાડીમાં સાધુઓના કરતબો નિહાળ્યા: રૂટ લંબાવતા લોકોને પણ દર્શનનો અવસર પ્રાપ્ત થયો હજારો સંતો સાધુઓનું મૃગુકુંડમાં શાહી સ્નાન

પાંચ દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓએ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ માણ્યો : હર હર મહાદેવના નાદથી ભવનાથ તળેટી ગુંજી ઉઠી

હર હર મહાદેવ, જય જય ગિરનારી ના ગગનભેદી નાદ, હજારો સંતો, મહંતો ની શાહી રવાડી, નાગા સાધુઓના અંગ કરતૂત, ઢોલ, નગારા, બેન્ડ ની સુરાવલીઓ અને બાદમાં સંતો, મહંતોના શાહી સ્નાન અને ભવનાથ મહાદેવના મહાઆરતી સાથે ભવનાથનો મહાશિવરાત્રિ મેળો આજે પૂર્ણ થયો છે.
આજે પાવન પવિત્ર મહાશિવરાત્રીનો પાવન પવિત્ર દિવસ અને ભવનાથના શિવરાતી મેળાનો અંતિમ દિવસ હોવાથી આજ વહેલી સવારથી જ ભાવિક, ભક્તજનો લાખોની સંખ્યામાં જગવિખ્યાત ભવનાથના મેળાને માણવા પહોંચતા સવારથી જ ભગવાન ભવનાથ મંદિરે દર્શન માટે ભાવિકોની કતાર અવિરત રહી હતી.
મેળામાં શિવરાત્રીના દિવસે મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો પહોંચતા ભવનાથ શ્રેત્ર ભાવિકોથી ઉભરાયું હતું, હૈયે હૈયું દળાય તેટલા ભાવિકો ભવનાથ શ્રેત્રમાં પહોંચતા યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા બપોરથી જ પરવાનગી સહિતના તમામ વાહનો માટે ભવનાથમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી.
દરમિયાન ભવનાથ દાદાની મહાઆરતી બાદ રાત્રિના 9 શિવરાત્રીની રાત્રીએ ભવનાથ શ્રેત્રમાં યોજાતી શાહી રવાડીની તૈયારીઓ આરંભાઈ હતી, ભવનાથ ક્ષેત્રમાં આવેલ અગ્નિ અખાડા, આહવાન અખાડા, જૂના અખાડા, કિન્નર અખાડા સહિતના વિવિધ અખાડાના હજારો સંતો, મહંતોની એક શાહી રવાડી ભવનાથ ક્ષેત્રમાં યોજાઈ હતી, જેમાં માતા ગાયત્રી, ભગવાન દત્તાત્રેય અને ભગવાન ગણેશજીની પાલખી અને અખાડાના ધ્વજા પ્રમુખ હતી, આ સાથે હજારોની સંખ્યા ભારત વર્ષમાંથી મેળામાં પધારેલા નાગા સાધુઓ દ્વારા લાઠી દાવ, ભાલા દાવ, તલવાર બાજી તથા વિવિધ અંગ કરતૂતો દર્શનીય હતાં.
આ વખતે ભાવિકો શાહી રવાડીના સારી રીતે દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા 500 મીટર નો રૂટ વધારતા આ ભવ્ય અને દિવ્ય રવાડી ભવનાથ શ્રેત્રમાં બે કિમી. જેટલા રૂટ પર પ્રસાર થતા, સમગ્ર ભવનાથ ક્ષેત્ર જય જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય જય ગિરનારી સાથે ગુંજી ઊઠ્યું હતું. સમગ્ર રૂટ ઉપર ભગવાનની પાલખી અને સાધુ સંતો ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. અને શાહી રવાડીના મન ભરી દર્શન કરવા બપોરના 4 વાગ્યાથી રૂટની બંને સાઇડ ઉપર બેસી રહેલા ભાવિકો આ શાહી રવાડી તથા સાધુ-સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા.
સમગ્ર ભવનાથ શ્રેત્રમાં બેન્ડ વાજા, ઢોલ નગારા અને સંતોના રથ, ધર્મની ધજાઓ, સેંકડોની સંખ્યામાં હર હર મહાદેવ, જય જય ગિરનારના નાદ સાથે જ નીકળેલી શાહી રવાડી રાત્રિના 12 વાગ્યે ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, અને શાહી રવેડીમાં ઉપસ્થિત સંતો, મહંતો એ ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. બાદમાં ભવનાથ દાદાની મહા આરતી યોજાઈ હતી અને આ સાથે ભવનાથનો શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.
ભવનાથનો શિવરાત્રી મેળો ભજન, ભક્તિ, ભોજનના ત્રિવેણી સંગમ સમો આજ સુધી માનવામાં આવતો હતો, પરંતુ આ વખતે આ મેળો ભોજન, ભજન અને ભક્તિની પરંપરા સાથે પ્રકૃતિ અને આધુનિકતાને રંગે રંગાતા આ વર્ષનો ભાવેહરનો મેળો ભાવિક ભક્તજનો માટે વિશેષ રૂપે માણવા લાયક બન્યો હતો. અને મેળો પ્રથમ દિવસથી જ ભારે જામ્યો હતો, દિવસે ને દિવસે મેળામાં આવતા ભાવિકોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો, દરમિયાન આજે મેળાના અંતિમ દિવસે ભવનાથના માર્ગો પરથી 3 કિમી. પગપાળા ચાલીને ભાવિકો હજારોની સંખ્યામાં ભવનાથ શ્રેત્રમાં પહોંચી રહ્યા હોવાથી ભવનાથ શ્રેત્રમાં હૈયે હૈયું દળાય એ રીતે ભાવિકો ઉમટી પડ્યા હતા.
દરમિયાન આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભવનાથનો શિવરાત્રીનો મેળો કંઈક અલગ રૂપમાં એટલે કે મીની કુંભ તરીકે યોજાય તે માટે જૂનાગઢના સ્થાનિક તંત્રને સુચના અને માર્ગદર્શન આપતા છેલ્લા બે મહિનાથી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગો દ્વારા આ મેળાને ખૂબ જ સુંદર રીતે યોજાય તે માટે આયોજન કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને અહીં આવતા લાખો ભાવિકોને સંપૂર્ણ સુવિધા અને સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે સાથે આ વખતના શિવરાત્રી મેળામાં અનેક નવા આયામો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ભવનાથ સુધી પહોંચતા સાડા ત્રણ કિલોમીટર રસ્તા ઉપર રોશની, સેલ્ફી પોઇન્ટ, વિશામાં, પાણીના પરબ, ટોયલેટ, વિવિધ પ્લોટ, દિવાલો ઉપર ભગવાન શિવના ચિત્રો સહિતનું લોકોને આકર્ષિત કરતા અને ભાવિકો ભક્તિમય બની રહે તે માટે માર્ગ ઉપર સતત સંભળાતા ભજનો એ આ વખતના મેળાને ખરા અર્થમાં શિવમય બનાવી દીધું હતું.

રિલેટેડ ન્યૂઝ