ખંભાળિયા પાલિકાના હોદ્દેદારોની આગામી સપ્તાહમાં નિયુકિત

જિલ્લા સંકલન બેઠક યોજાઈ: પાર્લામેન્ટરી બેઠકમાં મહત્વની ચર્ચા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં નોંધપાત્ર બેઠકો સાથે ભાજપનો હાથ ઉપર રહ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી જિલ્લા પંચાયત સાથે ખંભાળિયા નગરપાલિકા તથા તાલુકા પંચાયત અને દ્વારકા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપને નોંધપાત્ર બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી સાંપડી છે.આ પરિણામોને હવે ઘણો સમય વીતી ચૂક્યો છે. ત્યારે સંભવત: આગામી સપ્તાહમાં ખંભાળિયા નગરપાલિકા સહિત અન્ય સંસ્થાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના નામો નક્કી થનાર છે. ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારોના નામોની ચર્ચા કરવા માટે ભાજપના ઉચ્ચ નેતાઓ દ્વારા આજરોજ અત્રે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં આ હોદ્દાઓ માટે મહત્વના નામ સાથેની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે ગુરુવારે ગાંધીનગર ખાતે યોજાનારી પાર્લામેન્ટરીની બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના નામો નક્કી થશે. ત્યાર બાદ વિધિવત રીતે કાઉન્સિલરોને મેન્ડેટ આપવામાં આવશે. ખંભાળિયા નગરપાલિકામાં નોંધપાત્ર કહી શકાય તેટલી 36 પૈકી 30 બેઠકોમાં ભાજપના સદસ્યો ચૂંટાયા છે. જેમાં આ વખતે પ્રમુખ પદ માટે બક્ષીપંચ અનામત હોય, પ્રમુખના તાજ માટે દાવેદારો દ્વારા ભલામણ તેમજ પોતાની નિયુક્તિ થાય તે માટે તજવીજ કરવામાં આવી રહી છે. હાલ પ્રમુખ પદ માટે ચોક્કસ જ્ઞાતિના એક-બે દાવેદારોના નામ પ્રથમ હરોળમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે હવે આ હોદ્દાઓ પર કોને બેસાડવામાં આવશે તેનો નિર્ણય એક-બે દિવસમાં ફાઇનલ થઇ જશે અને અટકળો અને અનુમાનો પર પૂર્ણવિરામ લાગી જશે. આગામી સપ્તાહમાં નવા હોદ્દેદારો સત્તારૂઢ થઈ ગયા બાદ નગરપાલિકાનું તંત્ર ચેતનવંતું બની જશે.

રિલેટેડ ન્યૂઝ