ઘાયલોને સારવારમાં ખસેડાયા: રોડ પર અફરાતફરી મચી
ગઢડા(સ્વામીના) શહેરમાં બોટાદ રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલપંપ નજીક વહેલી સવારે એક ખાનગી લકઝરી બસ અકસ્માતે પલ્ટી મારી જતા ભારે ગોકીરો મચી ગયો હતો. અકસ્માતના પગલે દસ કરતા વધારે મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સરકારી દવાખાને. સારવાર અપાઈ હતી. આ અંગે વધારે જાણવા મળતી વિગતો અનુસાર સુરતથી બાબરા તરફ જઈ રહેલી અને ગઢડા દેવ દર્શન કરીને બાબરા જવા માટે રવાના થયેલી ગોપીનાથ દર્શન ટ્રાવેલ્સ નામની લકઝરી બસના ડ્રાઈવરે કોઈ કારણોસર સંતુલન ગુમાવતા બસ પલ્ટી ખાઇ જતા ખાળીયામા ખાબકી હતી. જેના કારણે બસમાં બેસેલા મુસાફરોમાં ભારે ગોકીરો મચી ગયો હતો. આ દરમીયાન દસ કરતા વધારે મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સરકારી દવાખાને સારવાર માટે વ્યવસ્થા કરાઈ હતી. સદનસીબે કોઈ ગંભીર ઇજા અને અકસ્માત મોતની ઘટના નહીં બનતા તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા હાશકારો અનુભવાયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો તેમજ પોલીસ પહોંચી જતા બચાવ કાર્ય હાથ ધરાયું હતું. આ અકસ્માત બાબતે મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાવા પામેલ નથી.
