દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ દૂર કરાયું: ચૂસ્ત બંદોબસ્ત

વેપારીઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તંત્રનો અનુરોધ

આગામી દિવસોમાં અધિક માસ દરમિયાન દ્વારકા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડવાના સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને જનસુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આજે મંદિર ચોક અને આસપાસના વિસ્તારોમાં અનધિકૃત દબાણો દૂર કરવા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ કેટલાક વેપારીઓ દ્વારા દુકાનોની બહાર ટેબલ, સ્ટોલ તથા અન્ય સામાન મૂકી જાહેર માર્ગ અને ફૂટપાથ પર દબાણ કરવામાં વ્યું હતું, જેના કારણે યાત્રાળુઓની અવરજવર તથા વાહનવ્યવહારમાં અવરોધ ઉભો થતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી તથા તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા મંદિર ચોક વિસ્તાર સહિત અનેક સ્થળોએ દબાણો દૂર કરી માર્ગોને ખુલ્લા કરવામાં આવ્યા હતા.પ્રાંત અધિકારી અમોલ આવટેએ જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન દ્વારકામાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોવાથી યાત્રાળુઓને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે અને શહેરમાં સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ અભિયાન આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. તેમણે વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ