શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા પ્રયાસ
વિસાવદર ખાતે મુસ્લિમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં પીર-એ-તરીકત સૈયદ અહેમદબાપુ કાદરી ફાતમીની ઉપસ્થિતિ રહી હતી. તેમણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ દુઆ કરી હતી અને સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા કુરેશી (કેમ્પસ ડાયરેક્ટર, એસ.એમ.જી.કે. સંકુલ, સાવરકુંડલા)એ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી આયોજન અને સફળતાના વિવિધ પાસાઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી હાજી કાસમભાઈ મીર (ઉર્ફે હાજી રમકડું) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધંધુકાથી એડવોકેટ સૈયદ મહિયુદ્દીન, ડો. મંઝરખાન (કેન્સર સર્જન) અને ડો. સબાઅલીખાન (ગાયનેકોલોજિસ્ટ, જનાના હોસ્પિટલ)ની પણ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ધોરણ 10ના 15 તથા ધોરણ 12ના 21, એમ કુલ 36 તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને સન્માનચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ તાજેતરમાં ખઇઇજ પૂર્ણ કરનાર ડો. તનવીર ભોર તથા એડવોકેટ ઉમિલ વાય. બ્લોચનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, વાલીગણ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.
