દ્વારકાના યુવાનને અપમાનિત કરનાર છ સામે ફરીયાદ
કલ્યાણપુર નજીક પૈસા બાબતે બોલાચાલી કરી ત્રણ શખ્સોએ રાણ ગામના યુવાન પર પાઇપ વડે હુમલો કર્યો છે. જયારે બાઇકનો વિડીયો ઉતારવા બાબતે દ્વારકાના યુવાનને અપમાનિત કરતા છ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ધનાભાઈ ગોવાભાઈ ચાસીયા નામના 20 વર્ષના યુવાન દ્વારા રસ્તા વચ્ચે પડેલા એક મોટરસાયકલનો વિડીયો ઉતારતા આ બાબતે થેલી બોલાચલી બાદ આરોપી દેવાંગભા કારુભા માણેક, શિવરાજ, નવીન પોલાભા, અર્જુન ડાડુભા, ભગવાનજી તેજાભા સુમણીયા અને રમેશભા સમૈયાભા માણેક નામના છ શખ્સોએ ફરિયાદી ધનાભાઈ તથા તેમના પિતા ગોવાભાઈ અને કાકા સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો.
આમ, વિડીયો ઉતારવા બાબતે આરોપીઓએ પિતા-પુત્ર સહિત ત્રણને મૂઢ માર મારી, જાતિ પ્રત્યે અપમાનિત કરી, હડધૂત કરતા આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ખંભાળિયા વિભાગના એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી મીત રુદલાલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
યુવાન પર પાઈપ વડે હુમલો
કલ્યાણપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં પવનચક્કીના થાંભલાનું કામ કરતા તાલુકાના મહાદેવીયા ગામના મેરામણ ઉર્ફે ચકુ ગોરીયા, જેસા અરસી કંડોરીયા અને એભા માડમ નામના ત્રણ શખ્સોની સાથે કામ કરતા ફરિયાદી રાણાભાઈ રામદેભાઈ મોવર (ઉ.વ. 37, રહે. રાણ) દ્વારા કામ અંગેના આરોપી મેરામણ ઉર્ફે ચકુ ગોરીયા પાસેથી લેવાના થતા રૂપિયા 6,15,000 ની રકમ માંગતા આરોપી મેરામણએ ફરિયાદી રાણાભાઈને કહેલ કે “તને રૂપિયા આપવા નથી.” આ રીતે આરોપીઓએ બિભત્સ ગાળો ભાંડી, લોખંડના પાઇપ વડે તેમને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
