ચરખડીયા ગામ પાસે રોડનો 20 ફૂટ ભાગ ધોવાઈ જતાં હાઇવે બે ભાગમાં વહેંચાયો; વાહનોની લાંબી કતારો
અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામ નજીક અમરેલી-સાવરકુંડલા-રાજુલા નેશનલ હાઇવેનો આશરે 20 ફૂટનો ભાગ ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં હાઇવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા 24 કલાકથી માર્ગ સંપૂર્ણપણે બંધ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે અમરેલી-સાવરકુંડલા-રાજુલા નેશનલ હાઇવેને ભારે નુકસાન થયું છે. સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામ નજીક ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં હાઇવેનો આશરે 20 ફૂટ જેટલો ભાગ વચ્ચેથી ધોવાઈ ગયો છે. જેના કારણે નેશનલ હાઇવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને અમરેલીથી રાજુલા તથા સાવરકુંડલા તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ હાઇવે બંધ થતાં બંને તરફ નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. મુસાફરોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવાની ફરજ પડી રહી છે. છેલ્લા 24 કલાકથી હાઇવે બંધ હોવા છતાં માર્ગના સમારકામની કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ અમરેલીથી રાજુલા અને સાવરકુંડલા તરફ જતાં વાહનચાલકોને ચલાલા થઈને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે મુસાફરીનું અંતર અને સમય બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનિકો અને વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટી તથા સંબંધિત તંત્રને તાત્કાલિક ધોરણે નુકસાન ગ્રસ્ત માર્ગનું સમારકામ શરૂ કરી હાઇવેને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની માંગ કરી છે.
