વેરાવળ પાટણ સંયુકત પાલીકા દ્વારા રૂ.182 કરોડનો મેગા ડ્રેનેજ પ્રોજેકટ તૈયાર

વર્ષો જુની વ્યવસ્થાના સ્થાને હાઈટેક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સીસ્ટમ બનાવાશે

વેરાવળ-પાટણ જોડિયા શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકારની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા રૂા.182 કરોડનો મેગા ડ્રેનેજ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષો જૂની ડ્રેનેજ વ્યવસ્થાના સ્થાને હાઈ-ટેક સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે.
વેરાવળ-પાટણ જોડીયા શહેરમાં વરસાદી પાણીના વિશાળ કેચમેન્ટ વિસ્તાર અને જૂની ડ્રેનેજ વ્યવસ્થાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેના પરિણામે વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ અંગે ચીફ ઓફિસર પારસભાઇ મકવાણાએ જણાવેલ કે, દર વર્ષે ડી-વોટરિંગ સહિતની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ મળતો નહોતો. આથી, નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આધુનિક વરસાદી પાણી નિકાલ વ્યવસ્થા ઉભી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ આ રજૂઆતને આધારે નવી સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ નો વ્યાપક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. શહેરમાં જ્યાં જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે, તે તમામ વિસ્તારો નો ભૌગોલિક અભ્યાસ કરીને આધુનિક હાઈ-ટેક ટેકનોલોજી આધારિત ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂા.182 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. પ્રાદેશિક નિયામકની કચેરી દ્વારા આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર ને મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે. સરકાર તરફથી મંજૂરી મળતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. નગરપાલિકા તંત્ર નું માનવું છે કે, આ પ્રોજેક્ટના અમલ બાદ શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ ની સુવિધા ઊભી થશે. તેનાથી દર વર્ષે સર્જાતી જળબંબાકારની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકોને આર્થિક અને સામાજિક મુશ્કેલીઓમાંથી કાયમી રાહત મળનાર છે.

રિલેટેડ ન્યૂઝ