ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેશની પાઇપલાઇન મુદ્દે ખેડૂતો દ્વારા આંદોલન તેમજ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ મહત્વના મુદ્દે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વિસ્તારમાં ગેસની પાઈપ લાઈન પસાર થનાર છે તે અંગે ખેડૂતલક્ષી વિવિધ મુદ્દાઓ ખંભાળિયાના ધારાસભ્ય દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
ખંભાળિયા વિસ્તાર સાથે જામનગર જિલ્લા મળી, કુલ 32 જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર કરવામાં આવી રહેલી જીએસપીએલ કંપનીની ગેસ પાઈપ લાઈન અંગે ખેડૂતો દ્વારા યોગ્ય વળતર સહિતના મુદ્દે સ્થાનિક પ્રશાસનને લેખિત રજૂઆત કરી, આ મુદ્દે અધિકારીઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારો, કિસાન સંઘના હોદ્દેદારો, ખેડૂતો સાથેની બેઠકો યોજવામાં આવી છે. તેમ છતાં પણ અનેક ખેડૂતોના પ્રશ્નો હલ થયા નથી અને કેટલાક ગામોમાં ખેડૂતો ઉપર બેસીને ધરણા કરી રહ્યા છે.
આને અનુલક્ષીને ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ રાજ્યના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ વિસ્તારમાં અગાઉ અન્ય એક ખાનગી કંપની દ્વારા જે પ્રમાણે વળતર આપવામાં આવ્યું છે તે મુજબ વળતર આપવા ઉપરાંત અન્ય વૃક્ષ, ઓરડી, કુવા, પાણીની લાઈનો વિગેરેનું વળતર અલગથી મળી રહે તે માટે તેમજ આ વિસ્તારમાં પ્રમોલગેશનની ભૂલોને પ્રાયોરિટીના ધોરણે સુધારો કરી, ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવવા, ગેસની લાઈનનું ખોદાણ વધુ બે મીટર ઊંડું કરવા, દરેક ખેડૂતોને કેટલું વળતર મળવા પાત્ર છે એ મુદ્દે ગ્રામસભામાં સમજૂતી કરવા અને ખેડૂતોને વળતર બેંકના ખાતામાં જમા કરાવ્યા બાદ જ કામગીરી શરૂ કરવા, સંપાદન અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવા, જીએસપીએલ કંપનીની ઓથોરિટી દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજીને ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સહિતના મુદ્દે લેખિત રજૂઆત કરાય છે. અનેક ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોને થતા આ કથિત અન્યાયનું નિરાકરણ તાકીદે આવે તેમ આ વિસ્તારના લોકો રહ્યા છે.
