ભાવનગર જિલ્લામાં ફરી સિંહનો આતંક ટોડી ગામ નજીક પશુપાલક પર હુમલો

સતત વધી રહેલા સિંહોના હુમલાથી લોકોમાં ભય

ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ઘટના સામે આવતાં ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક ગૌચરણ વિસ્તારમાં પશુ ચરાવી રહેલા પશુપાલક પર સિંહે અચાનક હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ટોડી ગામના રહેવાસી પશુપાલક વિજયભાઈ બલિયા ગૌચરણ વિસ્તારમાં પશુઓ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક સિંહે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં તેઓને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો દોડી આવતા અને હોબાળો મચાવતા સિંહ જંગલ તરફ ભાગી ગયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનોએ ઈજાગ્રસ્ત વિજયભાઈ બલિયાને તાત્કાલિક પાલીતાણા તાલુકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તબીબો તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલાની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરણ તેમજ ખેતરોની આસપાસ સિંહોની અવરજવર વધતા પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોએ વન વિભાગ દ્વારા અસરકારક પેટ્રોલિંગ, સિંહોની હિલચાલ પર સતત નજર રાખવા તેમજ જોખમી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે.

રિલેટેડ ન્યૂઝ