બ્રોડગેજ માટે રેલવે વિભાગે તાત્કાલિક નિર્ણય લેવાના બદલે ઢીલી નીતિ રાખતા અમરેલીનો વિકાસ રૂંધાયો

અમરેલી રેલવે સ્ટેશનનું જુનું અડધું બિલ્ડિંગ રાખવાના નિર્ણયથી લોકોમાં ભારે કચવાટ : બ્રોડગેજ રેલવે શરૂ થવામાં પણ હજુ નડતર

અમરેલી રેલવે સ્ટેશન ખાતે આવેલું વર્ષો જૂનું બિલ્ડિંગ નવી બ્રોડગેજ ટ્રેનના પ્લેટફોર્મ અને બ્રોડગેજની અન્ય સુવિધાઓના નિર્માણમાં અડચણરૂપ બન્યું છે. આ બિલ્ડિંગ તોડી પાડવા સામે કેટલાક લોકો દ્વારા વિરોધ અને તેને યથાવત રાખવાની માગણી કરવામાં આવતી હોવાથી લાંબા સમયથી આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાયો નહોતો. ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા જુના બિલ્ડિંગને સંપૂર્ણ દૂર કરવાના બદલે અડચણરૂપ ભાગમાંથી માત્ર 4 મીટર જેટલો ભાગ તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહી બાદ પણ અંદાજે 2 મીટર જેટલો ભાગ નડતરરૂપ રહે તેમ હોવાથી રેલવેની આ નીતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે.
રેલવેના નિયમ મુજબ બ્રોડગેજ માટે રેલવે પાટાથી 6.5 મીટર સુધીના અંતરમાં અન્ય કોઈ બાંધકામ ન હોવું જોઈએ. ત્યારે અમરેલી રેલવે સ્ટેશનનું જૂનું બિલ્ડિંગ પાટાની અત્યંત નજીક આવેલું હોવાથી નવા બ્રોડગેજ માટેના પ્લેટફોર્મ સહિતની કામગીરીમાં તે અડચણરૂપ બનેલ છે. આ જુનું બિલ્ડિંગ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ટ્રેનના શરૂ થવા માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે તેમ હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ નવા બ્રોડગેજ રેલવે ટ્રેકનું લેવલ એટલું ઊંચું કરવામાં આવ્યું છે કે, તે જૂના બિલ્ડિંગની છતના સ્તર સુધી પહોંચી ગયું છે. પરિણામે હવે જૂના બિલ્ડિંગનો વ્યવહારિક ઉપયોગ પણ થઈ શકે તેવી સ્થિતિ રહી નથી. ત્યારે મુસાફરોની અવરજવર માટે અમરેલીના રેલવે સ્ટેશન ખાતે અંડરપાસ બનાવવાનું આયોજન છે. અને તેની સીડી પણ જૂનું બિલ્ડિંગ દૂર કરવામાં આવે તો તે જગ્યાએ જ બનાવી શકાય તેમ છે.આ તમામ સ્થિતિ વચ્ચે રેલવે તંત્રએ જૂના બિલ્ડિંગને સંપૂર્ણ તોડી પાડવાને બદલે હાલમાં અડચણરૂપ ભાગમાંથી 4 મીટર જેટલો હિસ્સો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ કામગીરીમાં જુના રેલવે સ્ટેશનની ઓસરીનો ભાગ તોડી પાડવામાં આવશે, જ્યારે બાકીના રૂમનો ભાગ યથાવત રાખવામાં આવશે. પરંતુ આટલું કર્યા બાદ પણ અંદાજે 2 મીટર જેટલો ભાગ રેલવેની કામગીરીમાં નડતરરૂપ રહેતો હોવાનું સામે આવ્યું છે.
ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે, જો રેલવેના નિયમ મુજબ પાટાથી 6.5 મીટર સુધી બાંધકામ રાખી શકાય તેમ નથી અને જૂના બિલ્ડિંગનો ઉપયોગ પણ શક્ય રહ્યો નથી, ઉપરાંત અંડરપાસની સીડી માટે પણ જુના રેલવે સ્ટેશનની આ જગ્યા પણ જરૂરી છે. તો પછી જુના બિલ્ડિંગનો માત્ર 4 મીટર ભાગ તોડીને બાકીનો ભાગ યથાવત રાખવાનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? રેલવેની આવી ઢીલી નીતિના કારણે ભવિષ્યમાં ફરીથી બાંધકામ તોડવાની કે યોજનામાં ફેરફાર કરવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા વચ્ચે આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.
જૂનું રેલવે સ્ટેશનના બિલ્ડિંગને યથાવત રાખવાના નિર્ણયથી વિકાસકાર્ય અટકશે
અમરેલી રેલવે સ્ટેશનના જૂના બિલ્ડિંગને બચાવવા માટે અગાઉ કેટલાક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. તેના કારણે લાંબા સમય સુધી બિલ્ડિંગ તોડવું કે યથાવત રાખવું તે અંગે નિર્ણય થઈ શક્યો નહોતો. હવે રેલવે દ્વારા વચલો રસ્તો અપનાવી માત્ર 4 મીટર ભાગ તોડવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ તેનાથી પણ સંપૂર્ણ અડચણ દૂર થતી ન હોવાથી આ નિર્ણય કેટલો વ્યવહારુ છે તે અંગે સવાલ ઊઠ્યો છે.
બ્રોડગેજ મળવામાં કોઈ અડચણ ન જોઈએ
આ મુદ્દે અમરેલી મિશન બ્રોડગેજ સમિતિના પ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું છે કે, પહેલા આ જુના બિલ્ડિંગ રાખવાના પક્ષમાં જ હતા. અને માગણી પણ કરી હતી. પણ સ્થળ પર નિરીક્ષણ બાદ આ જુનું બિલ્ડિંગ અડચણરૂપ બને છે. અને તેથી તેને દૂર કર્યા વગર બ્રોડગેજ લાઈન આવે તેમ નથી. અને વિકાસ પણ થાય તેમ નથી. જેથીબ્રોડગેજ લાઈન માટે જુનું રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ પાડવું પડે તેમ હોય, તો પાડવું પણ જોઈએ, પણ બ્રોડગેજ ટ્રેનના સંચાલનમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ એવો અમરેલી મિશન બ્રોડગેજ સમિતિનો સ્પષ્ટ મત છે.

રિલેટેડ ન્યૂઝ