ઉના વોર્ડ નં.8નો પાડામાર વિસ્તાર વિકાસના નકશામાથી ગાયબ: લોકરોષ

બે દાયકાથી પાણી માટે મહિલાઓની પદયાત્રા, અંધકારમાં જીવતું જીવન; રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છતા માત્ર કાગળો પર : ભાજપના જ નગરસેવક મનોજ બાંભણીયા લોકો સાથે મેદાને, નગરપાલિકા સામે ઉગ્ર રજૂઆત; હવે વિકાસ નહીં તો આંદોલનનું એલાન

ઉના શહેરમાં વિકાસના દાવાઓના ગાજતા નગારા વચ્ચે વોર્ડ નંબર-8નો પાડામાર વિસ્તાર આજે પણ વિકાસના પ્રકાશથી કોસો દૂર હોવાનું ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. શહેરમાં કરોડોના વિકાસકામોના દાવા થઈ રહ્યા છે, પરંતુ માત્ર થોડાક કિલોમીટરના અંતરે આવેલો પાડામાર વિસ્તાર છેલ્લા બે દાયકાથી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યો છે.લગભગ 700થી 800ની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આજે પણપીવા નું પાણી, પાક્કા રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, કચરાપેટી અને નિયમિત સફાઈ જેવી જીવનજરૂરી સુવિધાઓનો અભાવ છે. અનેક વખત રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂં પણ ન રેંગતા હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે વિરોધનો અવાજ વિરોધ પક્ષે નહીં પરંતુ સત્તાધારી પક્ષના જ નગરસેવક મનોજ બાંભણીયાએ ઉઠાવ્યો છે. તેમણે વિસ્તારના લોકો સાથે ઘરેઘરે ફરી વાસ્તવિક સ્થિતિ નિહાળી અને મહિલાઓ તેમજ સ્થાનિકોને સાથે રાખી સીધા નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું.પાડામાર વિસ્તારના લોકોનું કહેવું છે કે વર્ષો સુધી વિકાસના વચનો મળ્યા, પરંતુ વિકાસના કોઈ દર્શન થયા નથી. ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ ત્યારબાદ વિસ્તારને ભૂલી જાય છે. હવે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે વચનો નહીં, વિકાસ જોઈએ.
વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને રોજ દોઢથી બે કિલોમીટર સુધી પાણી માટે ભટકવું પડે છે. પાણીની એક-એક બાલ્ટી માટે કરવો પડતો સંઘર્ષ આજે પણ લોકોના જીવનની કડવી હકીકત છે. બીજી તરફ કાચા અને બિસ્માર રસ્તાઓ વરસાદી મોસમમાં કાદવના તળાવ બની જાય છે, જેના કારણે વૃદ્ધો, બાળકો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ગટર વ્યવસ્થાના અભાવે ગંદુ પાણી ખુલ્લામાં વહે છે અને કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચારે તરફ અસ્વચ્છતા ફેલાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ ઉભો કરે છે.
રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટનો સંપૂર્ણ અભાવ હોવાથી આખો વિસ્તાર અંધકારમાં ગરકાવ થઈ જાય છે.ગીર ના જંગલ વિસ્તારને અડીને આવેલા આ વિસ્તારમાં દીપડા અને સિંહ જેવા જંગલી પ્રાણીઓનાઆવાગમન ના કારણે લોકોમાં સતત ભયનો માહોલ રહે છે.બાળકો ને સાંજ પડતા જ ઘરમાં બંધ થઈ જવું પડે છે, જ્યારે મહિલાઓ માટે બહાર નીકળવું જોખમી બની જાય છે.
સ્થાનિકોના મતે, નગરપાલિકા દર વર્ષે વેરો વસૂલે છે, પરંતુ બદલામાં મૂળભૂત નાગરિક સુવિધાઓ આપવાની પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગઈ છે.

નગરસેવક મનોજ બાંભણીયાની વાત લોકોના મૂળભૂત અધિકાર માટે લડીશ
વોર્ડ નંબર-8ના નગરસેવક મનોજ બાંભણીયાએ જણાવ્યું હતું કે સ્થાનિકોના ફોન મળતા તેઓ વિસ્તાર માં પહોંચ્યા અને ઘરેઘરે જઈ વાસ્તવિક સ્થિતિ જાણી હતી. લોકોની મુશ્કેલીઓ સાંભળ્યા બાદ તરત જ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક કરી લેખિત રજૂઆત કરવામાં આવી છે.તેમણે જણાવ્યું કે પાણી, રોડ, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સ્વચ્છતા કોઈ વૈભવી સુવિધાઓ નથી, પરંતુ દરેક નાગરિકના મૂળભૂત અધિકારો છે. આ અધિકારો લોકો સુધી પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. જો જરૂર પડશે તોલોકો ની સાથે રહી વધુ લડત પણ લડવામાં આવશે.

સ્થાનિક રહેવાસી મહેબૂબભાઈની વ્યથા પાણી માટે કિલોમીટરો ચાલવું પડે, રાત્રે દીપડાનો ડર સતાવે
મહેબૂબભાઈ કુરૈશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મકાનો તો મળ્યા, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સુવિધાઓ મળી નથી.તેમણે જણાવ્યું કે રોજ પીવાનું પાણી લેવા દોઢથી બે કિલો
મીટર દૂર જવું પડે છે. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ ન હોવાથી આખો વિસ્તાર અંધકારમાં ડૂબી જાય છે અને દીપડા જેવા જંગલી પ્રાણીઓનો ભય સતત સતાવતો રહે છે.

સ્થાનિક મહિલાનો અવાજ : હુરાબેન
મત લીધા પછી કોઈ ફરી વળીને જોતું નથીસ્થાનિક મહિલા હુરાબેને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દોઢ દાયકાથી આ વિસ્તારમાં રહે છે, છતાં આજે પણ વિકાસના નામે કંઈ મળ્યું નથી. ચૂંટણી દરમિયાન નેતાઓ અનેક વચનો આપે છે, પરંતુ જીત્યા બાદ વિસ્તાર તરફ કોઈ નજર પણ કરતું નથી.તેમણે કહ્યું કે નગરપાલિકા નિયમિત વેરો વસૂલે છે તો બદલામાંરસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ આપવી તેની ફરજ છે.

વિકાસની રાહ જોતો પાડામાર વિસ્તારની મુખ્ય સમસ્યાઓ
પીવાનું પાણી માટે દોઢથી બે કિ.મી. સુધી જવું પડે છે.
રોડ-રસ્તાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.ગટર વ્યવસ્થા ન હોવાના કારણે ગંદકી.સ્ટ્રીટ લાઈટનો સંપૂર્ણ અભાવ. કચરાપેટી અને નિયમિત સફાઈની સુવિધા નથી.રાત્રે દીપડા અને સિંહના ભય વચ્ચે જીવન.20 વર્ષથી વધુ સમયથી રજૂઆતો છતાં ઉકેલ નહીં.

રજૂઆત સામાન્ય સભામાં મૂકાશે:ચીફ ઓફિસર
ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણે જણાવ્યું હતું કે નગરસેવક દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆત સ્વીકારી લેવામાં આવી છે. વિસ્તારના વિકાસલક્ષી પ્રશ્નો આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. જરૂરી મંજૂરી મળ્યા બાદ વિકાસ કામો શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અને છેલ્લે…..
પાડામાર વિસ્તાર હવે માત્ર વિકાસનો પ્રશ્ન નથી રહ્યો, પરંતુ મૂળભૂત નાગરિક અધિકારો માટેની લડતનું પ્રતીક બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે બે દાયકાથી પડતર રહેલી આ સમસ્યાઓનો અંત નગરપાલિકાના નિર્ણયોથી આવે છે કે પછી લોકોનો રોષ રસ્તા પર ઉતરી નવા આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે.

રિલેટેડ ન્યૂઝ