કેશોદ બાયપાસ પર ગોઝારો અકસ્માત કારે બાઈકને હડફેટે લેતા દંપતીનું કરૂણ મોત


પીપળી ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે દંપતીના મોટરસાયકલને કારે ઠોકરે ચડાવી

કેશોદ બાયપાસ પર આવેલા પીપળી ચોકડી નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં ટૂ-વ્હીલર પર સવાર પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોની ઓળખ ખીમાભાઈ વરજાંગભાઈ રાવદલયા અને તેમના પત્ની સાજણબેન ખીમાભાઈ રાવલયા તરીકે થઈ છે. આ દંપતી પોતાના ટૂ-વ્હીલર પર સવાર થઈને હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ચાંદીગઢ પાટિયા નજીક જુનાગઢ તરફ જતાં હાઇવે પરના એક પેટ્રોલ પંપ પર જવા માટે ડીવાઈડરમાં રાખવામાં આવેલા કટમાંથી તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે ધસી આવતી એક ફોર-વ્હીલર વાહને તેમના ટૂ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટૂ-વ્હીલર અંદાજે 50 ફૂટ સુધી હાઇવે પર ઘસડાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાથી ખીમાભાઈ વરજાગભાઈ રાવલીયા (ઉ.વ. 65) અને સાજણબેન ખીમાભાઈ રાવલીયા (ઉ.વ. 62) એ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ છોડી દીધા હતા. ઘટના સર્જાતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા
આ ઘટનાની પોલીસને જાણ થતાં, કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
કેશોદ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અને રોડ ક્રોસ કરતી વખતે થયેલી બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે. હાલ પોલીસે અજાણ્યા ફોર-વ્હીલર વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.
સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં હાઇવે ઓથોરિટી સામે ભારે આક્રોશ
આ કરુણ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં હાઇવે ઓથોરિટી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઇવે પર અયોગ્ય જગ્યાએ અને વૈજ્ઞાનિક રીતે પાડવામાં આવેલા આ પ્રકારના રોડડીવાઈડર કટ મોતનું આમંત્રણ સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ આ જ સ્થળે નાના-મોટા અકસ્માતો સર્જાયા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. લોકોની ઉગ્ર માંગ છે કે હાઇવે ઓથોરિટી અને તંત્ર દ્વારા આવા જોખમી કટ તાત્કાલિક કાયમ માટે બંધ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં નિર્દોષ નાગરિકોના કિંમતી જીવ જોખમમાં ન મુકાય.

રિલેટેડ ન્યૂઝ