બે સિસ્ટમ સક્રિય બની: યલો એલર્ટ જાહેર: માછીમારોને દરિયો ન ખેડવા સુચના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બે સિસ્ટમ સક્રીય બનતા શનિ-રવિા મેઘરાજાન ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 7 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે 8 અને 9 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 8 ઓગસ્ટે રાજ્યના વિવિધ વિસ્તારો માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ માટે ભારે વરસાદની ખાસ આગાહી કરી છે. 8 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 9 ઓગસ્ટે વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આગામી ચાર દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી લઈને ભારે વરસાદ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
