લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ભેળસેળીયા માફીયાઓને સાંખી નહીં લેવાય: આરોગ્યમંત્રી

અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા પ્રફુલ્લ પાનસેરીયાનો ધ્રુજારો

પનીર, ચીજ, બટર સહીત ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનારાઓને સરકારનો કડક સંદેશ: રાજ્યએ 1 હજાર કિલો શંકાસ્પદ ખાદ્યસામગ્રીનો નાશ કર્યો છે: મંત્રી

અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારની કડક કાર્યવાહી અંગે ધગધગતું નિવેદન આપ્યું હતું. પનીર, ચીજ અને બટર સહિતની ડેરી પ્રોડક્ટ્સમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભેળસેળીયા માફિયા સામે સરકારે કડક સંદેશ આપ્યો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે પનીર, બટર, ચીજ સહિતની વસ્તુઓનું વેચાણ કરનારાને હવે કોઈપણ રીતે બક્ષવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ગેઝેટ પ્રસિદ્ધ કરી દીધું છે. અને ભેળસેળ કરનારા એક પણ તત્વને બક્ષવામાં નહીં આવે. હવે આવા લોકો સજા ભોગવવાની તૈયારી રાખે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યભરમાં 74 જેટલી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 1 હજાર કિલો પનીર સહિતની શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ લોકોને પણ અપીલ કરતાં જણાવ્યું હતું કે, માત્ર સસ્તી હોવાના કારણે બ્રાન્ડ વગરની કે શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ્સ ખરીદવી નહીં. લોકોને સ્ટાન્ડર્ડ અને વિશ્વસનીય ડેરી પ્રોડક્ટ્સ જ ખરીદવા તેમણે અનુરોધ કર્યો હતો. ખાદ્ય વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, બ્રાન્ડ અને જરૂરી વિગતોની ચકાસણી કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.

રિલેટેડ ન્યૂઝ