તુલસીશ્યામ-ભીમચાસ વચ્ચે ત્રણ સિંહણ અને એક સિંહ રોડ પર નિરાંતે આંટાફેરા મારતા દેખાયા
ગીરના જંગલ વિસ્તારમાં ફરી એકવાર એશિયાટિક સિંહોની શાનદાર હાજરી જોવા મળી હતી. ઉના રાજકોટ રૂટ પર દોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી)ની બસ તુલસીશ્યામ અને ભીમચાસ વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારેઅચાનક ચાર સિંહો રોડ પર આવીને બેસી જતા બસને રોકવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, રોડ પર ત્રણ સિંહણ અને એક સિંહ નિરાંતે આરામ ફરમાવતા તેમજ લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહો રસ્તાની વચ્ચે જ બેસી રહેતા બસ ના ચાલકે સતર્કતા દાખવી વાહન થંભાવી દીધુંહતું.બસ માં બેઠેલા મુસાફરો માટે આ દૃશ્ય અનોખું અનેરોમાંચક બની રહ્યું હતું. અનેક મુસાફરોએ પોતાના મોબાઇલફોન માં આ સમગ્ર ઘટનાનો વીડિયો કેદ કર્યો હતો.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે પણ આ જ માર્ગ પર સિંહોએ રોડ પર અડિંગો જમાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે આ વખતે પણ થોડા જ મિનિટોમાં સિંહો ધીમે ધીમે રસ્તાની એક બાજુ ખસી જતા એસટી બસ સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય તરફ આગળ વધી હતી.
ગીર વિસ્તારમાં જંગલ માર્ગો પર સિંહોની અવરજવર સામાન્ય બાબત માનવામાં આવે છે. વન્યજીવ વિસ્તાર માંથી પસાર થતા વાહનચાલકોને હંમેશાં ધીરજરાખવા, વાહન ધીમું ચલાવવા અને સિંહો સહિત અન્ય વન્ય પ્રાણીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવા વન વિભાગ દ્વારા સતત અપીલ કરવામાં આવે છે.
