વિસાવદર પોલીસે ગણતરીના કલાકોમાં એલ્યુમીનીયમ કંડકટર ચોરીનો ભેદ ઉકેલ્યો

રૂા.10 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 શખ્સોની અટક

વિસાવદર પોલીસે સરાહનીય કામગીરી કરતા 220 ઊંટ જેટકો સબ સ્ટેશનમાંથી થયેલી લાખો રૂપિયાના એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા 4 આરોપીઓની અટકાયત કરી રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
વિસાવદર-બગસરા રોડ પર આવેલા 220 ઊંટ જેટકો સબ સ્ટેશનમાંથી અજાણ્યા ઈસમો દ્વારા આશરે 5,050 કિલો એલ્યુમિનિયમ કંડક્ટર (જેની અંદાજિત કિંમત 4,85,640) ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વિસાવદર પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ (બાતમીદારો)ની મદદથી ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો પર્દાફાશ કરી નીચે મુજબના 4 આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં પ્રદીપ રમેશભાઈ વારા (ઉંમર: 30 વર્ષ, રહે. માંગરોળ), ક્રિસ રવજીભાઈ ચુડાસમા (ઉંમર: 19 વર્ષ, મૂળ ગળોદર, તા. માળીયા હાટીના, હાલ રહે. વિસાવદર), જાવીદભાઈ સીતારામભાઈ મોદી (ઉંમર: 41 વર્ષ, રહે. વિસાવદર), સોહિલ યુનુસભાઈ ભુવર (ઉંમર: 28 વર્ષ, રહે. વિસાવદર)નો સમાવેશ થાય છે.
કબજે કરવામાં આવેલો મુદ્દામાલમાં એલ્યુમિનિયમ કંડક્ટર: આશરે 5,050 કિલો (કિંમત 4,85,640), મોબાઇલ ફોન: 04 નંગ (કિંમત 1,30,000), બોલેરો મેક્સીટ્રક: વાહન નં. ૠઉં-11-ટટ-694 (કિંમત 3,90,000), કુલ રિકવરી: 10,05,640 થી વધુનો મુદ્દામાલનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ