વેપારીના ગોડાઉનમાં વિડિયો બનાવી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાનું કહી રૂ.3 લાખ પડાવ્યા


જામનગરના નવરાત્રી સંચાલક સામે પાંચમી ફરિયાદ નોંધાઈ

જામનગરના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ગુનો નોંધાતા તેમની સામે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા પાંચ પર પહોંચી છે. પંચકોશી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના ગોડાઉન પર આવી વીડિયો બનાવી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાની તથા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ. 3 લાખ બળજબરીપૂર્વક પડાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ વધુ રૂ. 2 લાખની માંગણી કરી સતત ધમકીઓ આપવામાં આવતી હતી.હાલ આરોપી પોલીસ રિમાન્ડ માં છે. પોલીસ ફરિયાદ મુજબ, હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા નયનભાઈ સુરેશભાઈ ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના ગોડાઉન પર સંજય ચેતરિયા પહોંચ્યો હતો. ગોડાઉનમાં રહેલા સસ્તા અનાજના ઘઉંનો વીડિયો ઉતારી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી પકડાવી દેવાની તેમજ પોતાની ’સનાતન સત્ય સમાચાર’ યુટ્યુબ ચેનલમાં વીડિયો મૂકી વેપાર-ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. વેપાર ચાલુ રાખવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી ગેરશબ્દો બોલી મોબાઇલ ફોન તથા વોટ્સએપ કોલ મારફતે પણ સતત ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર સંજય ચેતરિયાએ વેપારીને મૃત્યુનો ભય ઉભો કરી પોતાના સાગરીત દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક રૂ. 3 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ વધુ રૂ. 2 લાખ મેળવવા માટે પણ ધમકીઓ ચાલુ રાખી કાવતરું રચ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસ સ્ટેશન માં સંજય ચેતરિયા તથા દીપકભાઈ તથા તપાસ દરમિયાન નામ ખુલતા અન્ય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખ.ના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી ની ધરપકડ કરી છે. અને રિમાન્ડ મેળવી પૂછપરછ ચલાવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ