ઇન્સ્ટાગ્રામ પરથી મધ્યપ્રદેશના શખ્સનો સંપર્ક કરી નકલી નોટો બનાવવાની ટીપ્સ મેળવી; પોલીસ તપાસ જારી
શહેરના આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર વિસ્તારમાં રહેતાં અને રિક્ષા હંકારવા સાથે બકાલુ પણ વેંચતા અભણ શખ્સે ઘરમાં જ જાલીનોટ છાપવાનું ચાલુ કરી દીધું હતું. લવમેરેજ કરનાર આ યુવાન ભાડેથી રહેતો હોઈ આર્થિક ખેંચ અનુભવતો હોઈ નોટો છાપવાના રવાડે ચડયો હતો. પરંતુ આવી નોટો વટાવે એ પહેલા જ એસઓજીના હાથે પકડાઈ ગયો હતો.
વધુ વિગતો મુજબ એસઓજીની ટીમ ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે માંડા ડુંગર નજીક શ્યામકિરણ પાર્ક-3માં ભાડાના મકાનમાં રહેતો શખ્સ તેના ઘરમાં નકલી ચલણી નોટો છાપતો હોવાની મળેલી બાતમી આધારે એસઓજી અને ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો. ઘરમાં એક શખ્સ હાજર હોઈ પુછતાછમાં પોતાનું નામ કિશન ભુપેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ.30) જણાવ્યું હતું.
પોલીસે વિશેષ તપાસ કરતાં ઘરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, સીપીયુ, બટર પેપર સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવતાં વધુ તપાસ કરતાં નકલી ચલણી નોટો પણ મળી હતી. વધુ તપાસ થતાં 100ના દરની નકલી નોટો 216 નંગ, રૂ. 500ના દરની નકલી 3 નોટો મળી આવી હતી. પોલીસે આ નકલી નોટો. સીપીયુ, મોનીટર, બે અલગ અલગ પ્રીન્ટર, લેમીનેટર હીટર મશીન, બટર પેપર, રૂા. 100ના દરની પ્રીન્ટાવાળા કાગળો, આધારકાર્ડ, એપલ મોબાઈલ મળી કુલ રૂ. 65500નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ 2018માં તાલુકા પોલીસમાં ગદરૂનો અને 2022માં એ-ડિવીઝન પોલીસમાં અન્ય એક ગુનો નોંધાયો હતો. – 2018માં લવમરેજ કર્યા છે. હાલમાં તે રિક્ષા હંકારવા સાથે બકાલુ વેંચે છે. તેણે રટણ કર્યું હતું કે છ મહિના પહેલા હું ઈન્સ્ટાગ્રામમાં તેણે રીલ જોતો હતો ત્યારે એમપીના દીપકની રીલમાં તે નકલી નોટો બનાવતો હોવાની – વિગતો હતી. તેમાં આપેલા નંબર પર ફોન કરતાં તેણે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી ખરીદી લેવા સુચના આપતાં પોતે જુના કોમ્પ્યુટર પ્રિન્ટર તાજેતરમાં લાવ્યો હતો. બાદમાં દિપકને નોટો કેમ બનાવવી તેના વિડીયો મોકલતાં તેના આધારે 100-500ની નોટો છાપી હતી. પોતે એક નોટ વટાવવા ગયો હતો પરંતુ દસ રૂપિયાની વસ્તુ ખરીદી સોની નોટ આપતાં દુકાનદારને શંકા જતાં પાછી લઈને આવી ગયો હતો. પરંતુ ક્યાં કેવી રીતે સંપર્ક કરવો તેની વિગતો આપી નહોતી. કિશન અભણ છે અને માત્ર સહી કરતાં આવડે છે. પોતે ભાડેથી રહેતો હોઈ અને આર્થિક ભીંસમાં હોઇ નકલી નોટો છાપવાના રવાડે ચડયાનું તે રટણ કરે છે. પ્રાથમિક તપાસમાં તેણે વધુ કોઈ નોટો છાપી હોવાનું ખુલ્યું નથી.
