ઇરાનનો ફરી દુબઇ, અબુધાબી તથા ફુજૈરાહ પોર્ટ પર હુમલો

મધ્યપૂર્વના યુદ્ધમાં સૈન્ય ઉપરાંત નાગરિક-વ્યાપારિક સ્થાનો નિશાન

ફુજૈરાહ પોર્ટ પર ક્રુડનું લોડીંગ સસ્પેન્ડ: અબુધાબીમાં એકનું મોત

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ચાલતા ભીષણ યુધ્ધમાં વધુને વધુ અખાતી દેશો નિશાન બનવા લાગ્યા હોવાથી ગંભીર વળાંક આવ્યો છે. ઇરાને દુબઇ એરપોર્ટે ડ્રોન હુમલો કરતા નજીકની ફ્યુઅલ ટેન્ક સળગી હતી અને અફડા તફડીના માહોલ વચ્ચે તમામ ઉડ્યનો રદ કરી નાખવામાં આવ્યા હતા. આ સિવાય અબુધાબીમાં મિસાઇલ એટેક કરાયો હતો. યુએઇના ફુજૈરાહ પોર્ટ પર પણ ડ્રોન એટેક થતાં આગ ફાટી નીકળી હતી અને તેલનું લોડિંગ સ્થગિત કરાયું હતું. અમેરિકાએ ઇરાનના ચાબાહાર ટ્રેડ ઝોન નજીકના સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો હતો.
ઇરાને યુએઇ, સાઉદી અરેબીયા, ઇરાક સહિતના ગલ્ફ દેશો પર હુમલા ચાલુ રાખ્યા હતા. ખાસ કરીને વિશ્ર્વના સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન પામતા દુબઇની હાલત ખરાબ કરી નાખી હોય તેમ અત્યાર સુધીમાં અર્ધો ડઝન ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આજે વધુ એક વખત ડ્રોનથી દુબઇના એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું. ડ્રોન ત્રાટકતા એરપોર્ટની ફ્યુઅલ ટાંકી સળગી ઉઠી હતી. ભીષણ આગને પગલે ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. તત્કાળ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. એરપોર્ટ પર અફડાતફડી મચી હતી અને તમામ કામકાજ બંધ કરી દેવાયા હતા.
દુબઇ સિવીલ એવીએશન ઓથોરીટી દ્વારા પ્રવાસીઓ તથા સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ઉડ્યનો રદ કરી દેવામાં આવ્યા હતાં. ઇરાન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાથી એરપોર્ટ આસપાસની ફ્યુઅલ ટેન્ક નિશાન બની હતી. થોડા સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સાથોસાથ સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરી દેવામાં આવ્યા હતા. આગ પર નિયંત્રણ આવી ગયા બાદ પરિસ્થિતિને સામાન્ય બનાવવા પ્રયત્ન શરુ કરવામાં આવ્યા હતા.સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે આગથી કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થઇ નથી. સોશ્યલ મીડિયા પર દુબઇ એરપોર્ટની નજીક ફ્યુઅલ ટેન્ક પર થયેલા ડ્રોન હુમલાનો વીડિયો વાયરલ થયો છે જો કે આ વીડિયો સાચો છે કે કેમ તેની દુબઇ સત્તાવાળાઓ દ્વારા ખરાઇ કરવામાં આવી નથી.
ઇરાન દ્વારા સંયુક્ત આરબ-અમીરાતના ત્રણ મોટા બંદર ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી અને તેના એક દિવસ પછી એરપોર્ટ પર આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. ઇરાને પ્રથમ વખત બીન અમેરિકી મિલ્કતોને નિશાન બનાવવાની ધમકી આપી હતી. ખર્ગ ટાપુ પર હુમલો કરવા માટે અમેરિકાએ યુએઇના બંદર-ડોક અને વ્યુહાત્મક સ્થાનોનો ઉપયોગ કર્યો હોવાનો પણ ઇરાને આરોપ મુક્યો હતો. ઇરાન કેટલાક દિવસોથી અખાતી દેશોમાં અમેરિકાના બેઝને નિશાન બનાવી જ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ