કોઈ પણ એક્સપ્રેસ-વે પૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી પુરો ટોલ વસુલાશે નહીં

વાહનચાલકો માટે એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને કાર, ટ્રક જેવા સાધનો માટે હવે ટોલને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે.
સરકારે રાષ્ટ્રીય એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે, જો કોઈ એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ અને કાર્યરત ન થાય, તો લોકો પાસેથી તેના અધૂરા ભાગ માટે સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે નેશનલ હાઇવે ફી નિયમો, 2008માં સુધારો કરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
મંત્રાલયના જણાવ્યાનુસાર, જ્યારે એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે કાર્યરત ન હોય ત્યારે પણ સંપૂર્ણ ટોલ વસૂલવામાં આવતો હતો. એટલે કે, જો એક્સપ્રેસવેનો ફક્ત એક ભાગ પૂર્ણ થયો હોય અને બાકીનો ભાગ બાંધકામ હેઠળ હોય, તો પણ ડ્રાઇવરો પાસેથી સમગ્ર લંબાઈ માટે ટોલ વસૂલવામાં આવતો હતો. આનાથી જનતા પર વધારાનો નાણાકીય બોજ પડતો હતો. હવે, નવા નિયમો હેઠળ, જો રાષ્ટ્રીય એક્સપ્રેસવે સંપૂર્ણપણે પૂર્ણ ન થાય, તો ફક્ત તેના કાર્યરત અને પૂર્ણ થયેલા ભાગ પર જ ટોલ વસૂલવામાં આવશે.
વધુમાં, આ ટોલ નિયમિત નેશનલ હાઈવે જેટલા જ દરે વસૂલવામાં આવશે, નહીં કે એક્સપ્રેસવે દરે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય રાજમાર્ગ ફી (દર નક્કી કરવા અને વસૂલવા) નિયમો, 2008માં આ સુધારો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે નવા દરો એવા એક્સપ્રેસવે પર લાગુ થશે જ્યાં આ તારીખ પછી કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. સરકાર કહે છે કે આ પગલું જનતાના હિતમાં છે જેથી તેઓ ફક્ત તે સેવાઓ માટે ચૂકવણી કરે જે તેઓ ખરેખર મેળવે છે.

રિલેટેડ ન્યૂઝ