બાબરાના અમરાપુરના યુવાન સાથે રૂ.66.80 લાખની ઠગાઈ કરતા મિત્રો

બાબરા તાલુકામાં વર્ષો જૂના પારિવારિક સંબંધ અને મિત્રતાના વિશ્વાસનો ગેરલાભ લઈ રૂ. 66.80 લાખની છેતરપીંડી આચરવામાં આવી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર મામલે અમરાપરા ગામના મૂળ રહેવાસી અને હાલ રાજકોટ નિવાસી સ્કૂલ સંચાલક અલ્પેશભાઈ બાબુભાઈ ભટ્ટની ફરિયાદના આધારે બાબરા પોલીસ મથકે બે શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ)ની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી અને આરોપી નિગમભાઈ મનોજભાઈ ગૌસ્વામી તથા મનોજભાઈ ગૌસ્વામી (રહે. ઇંગોરાળા, તા. બાબરા) વચ્ચે છેલ્લા આશરે વીસ વર્ષથી પારિવારિક અને વ્યવસાયિક સંબંધો હતા. બંને અગાઉ ભાગીદારીમાં અનાજનો વેપાર કરતા હતા. ઉપરાંત પાંચ વર્ષ અગાઉ ફરિયાદીએ મિત્રતાના વિશ્વાસે બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવેલી પોતાની દુકાન આરોપીઓને ભાડે આપી હતી, જ્યાં તેઓ “શિવમ એન્ટરપ્રાઇઝ” નામે વેપાર ચલાવતા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ આર્થિક મુશ્કેલી દર્શાવી સમયાંતરે ફરિયાદી પાસેથી હાથ ઉછીના રૂપિયા લેતા હતા. વિશ્વાસના આધારે ફરિયાદીએ લગભગ બે વર્ષ પહેલાં રૂ. 10 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ તા. 26 નવેમ્બર, 2025ના રોજ રૂ. 4.80 લાખ બેંક મારફતે ચૂકવ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓના વિશ્વાસમાં આવી ફરિયાદીએ અમરાપરા ગામે આવેલી પોતાની માલિકીની અંદાજે રૂ. 52 લાખ કિંમતની બે મિલકતોના દસ્તાવેજ પણ તેમના કહેવાથી અન્ય વ્યક્તિઓના નામે કરાવી આપ્યા હતા. આમ કુલ રૂ. 66.80 લાખનો વ્યવહાર થયો હતો.
આરોપીઓએ માર્ચ-2026 સુધીમાં સમગ્ર રકમ પરત ચૂકવવાની ખાતરી આપી હતી. જોકે નિર્ધારિત સમય વીતી જવા છતાં નાણાં પરત ન આપતાં ફરિયાદીએ અનેક વખત ઉઘરાણી કરી હતી. દરમિયાન બંને આરોપીઓએ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા અને ઘરેથી પણ ગાયબ થઈ જતા ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જણાતા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદના આધારે બાબરા પોલીસ મથકે ગુનો નોંધી સમગ્ર પ્રકરણની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એમ. ગમારા ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિત નાણાકીય વ્યવહારો અને દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ