તાલાલા મામલતદારે મારેલ સીલ તોડી સંચાલકે મહિલા હોસ્ટેલ શરૂ કર્યાની ફરિયાદ

સરકારી જમીન પર થયેલ દબાણો દૂર કરવા કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ

તાલાલા તાલુકાનાં ઘુંસિયા ગીર ગામની ગેરકાયદેસર મહિલા હોસ્ટેલમાં તાલાલા મામલતદારે લગાવેલ શીલ તોડી હોસ્ટેલનાં સંચાલકે ફરી મહિલા હોસ્ટેલ શરૂ કરી દીધાની પોલીસ ફરિયાદ નોંધાતા તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે. જીલ્લા વહીવટી તંત્ર તથા પોલીસે આપેલ વિગત પ્રમાણે તાલાલા તાલુકાનાં ઘુંસિયા ગીર ગામે સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી શિવમ ફાઉન્ડેશન નાં સંચાલક દ્વારા મહિલા હોસ્ટેલ ચાલતી હોવાનું ધ્યાને આવતા તાલાલા મામલતદાર દ્વારા દબાણ સંબંધિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.આ દરમિયાન સરકારી જમીન પર વાણિજ્યિક હેતુસર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સાબિત થતાં સંબંધિત સંચાલકને રૂ. 22,400/-નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ 15 દિવસની અંદર દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ સંચાલકે હુકમનું પાલન કર્યું નહીં જેથી વેરાવળ પ્રાંત અધિકારી દ્વારા વધુ 3 દિવસમાં કબજો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર કરવામાં આવેલ નહીં એટલે તા. 18/10/2025ના રોજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી જગ્યાને તે વખતના તાલાલા મામલતદારે સીલ કરી સરકારી કબજો સુરક્ષિત કરવામાં આવ્યો હતો… ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા તા.29/07/2026ના રોજ સ્થળ તપાસ કરતાં આ જગ્યા ઉપર મારવામાં આવેલ સરકારી સીલ તોડી મહિલા હોસ્ટેલ નાં સંચાલકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મહિલા હોસ્ટેલનું સંચાલન કરવામાં આવતું હતું.હોસ્ટેલમાં અંદાજે 70 જેટલી વિધાર્થીનીઓ રહેતી હોવાનું ફલિત થયું હતું.આ અંગે તાલાલા નાયબ મામલતદાર (સુપર)કરણભાઈ દાનાભાઈ ડાંગરે શિવમ ફાઉન્ડેશનના સંચાલક કનુભાઈ મુળુભાઈ બારડ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223(એ) તથા 329(4) હેઠળ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર એ જણાવ્યું છે.તાલાલા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ સામે જીલ્લા વહીવટી તંત્ર એ શરૂ કરેલ કડક કાર્યવાહી થી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ