જૂનાગઢ, આણંદ, હળવદમાં ભાજપની જીત : દેવગઢ બારીયામાં ‘આપ’નો ઉલટફેર
સૌરાષ્ટ્ર સહિત રાજયની સ્થાનીક સ્વરાજયની પેટા ચુટણીઓમાં ભાજપનો વિજય થયો છે. જુનાગઢ, આણંદ, હળવદમાં ભાજપની જીત થઇ છે. જયારે દેવગઢ બારીયામાં ‘આપ’એ ઉલટફેર સર્જયો છે. ગુજરાતમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ભવ્ય જીત નોંધાવી છે. આણંદ જિલ્લા પંચાયત, સાબરકાંઠા તાલુકા પંચાયત, હળવદ તાલુકા પંચાયત અને જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3માં ભાજપ વિજેતા રહ્યું છે. આણંદ જિલ્લા પંચાયત (પાળજ બેઠક) ઉપર ભાજપની મહિલા ઉમેદવાર સુમિત્રાબેન પટેલે 5,717 મતોની જંગી સરસાઈથી જીત મેળવી. તેમને કુલ 10,021 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના જેસંગભાઈ પરમારને 4,304 અને આપના અલ્પેશભાઈ પઢિયારને માત્ર 239 મત મળ્યા હતા. જયારે સાબરકાંઠા તાલુકા પંચાયત (ટેબડા બેઠક) ઉપર પોશીના તાલુકા પંચાયત હેઠળની આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ થયો હતો. આપની બહુમતી હોવા છતાં ભાજપના ઉમેદવારે 77 મતોથી જીત હાંસલ કરી હતી. હળવદ તાલુકા પંચાયત (રણછોડગઢ બેઠક)માં પૂર્વ આપ સદસ્યના અવસાન બાદ યોજાયેલી આ પેટાચૂંટણીમાં ભાજપે આપ પાસેથી બેઠક પાછી ખેંચી ભાજપના ભરત નંદેસરિયાનો 145 મતોથી વિજય થયો હતો.જૂનાગઢ મહાનગરપાલિકા (વોર્ડ નંબર-3) બેઠક ઉપર પણ ભાજપના અકરમ કુરેશીએ 1,998 મતોની નોંધપાત્ર સરસાઈથી જીત મેળવીને પક્ષનો ગઢ જાળવી રાખ્યો છે. ખેડા તાલુકા પંચાયત (ચીખલોડ બેઠક) ઉપર કોંગ્રેસે ભવ્ય વિજય નોંધાવ્યો. કોંગ્રેસની સોનલબેન પરમારે 756 મતોની મજબૂત લીડથી જીત મેળવી. દેવગઢબારિયા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટો ઉલટફેર સર્જ્યો છે.ત્રણ બેઠકોમાંથી બે બેઠકો પર આપ જીત્યું. વોર્ડ નંબર-4ની બંને બેઠકો પર નિધિ જૈન અને સરલાબેન મેડાએ વિજય મેળવ્યો હતો.
