બસને અકસ્માત થતાં ભાંડો ફુટ્યો : એસ.ટી. બસ સુરતથી જૂનાગઢ જતી હતી
લીંબડી-સાયલા હાઈવે પરથી ચકચારી ઘટના સામે આવી છે. સુરતથી જૂનાગઢ તરફ જતી સરકારી એસટી બસમાં બેઠેલા એક પરપ્રાંતિય મુસાફર પાસેથી પ્રતિબંધિત સૂકા પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો છે. કંડકટરની સતર્કતાના કારણે સરકારી બસની આડમાં ચાલતી નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે, અને પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો મુજબ, અન્ય એક બસનો અકસ્માત થવાથી પ્રવાસીઓને આ સુરત-જૂનાગઢ રૂટની બસમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક પ્રવાસી પાસે રહેલો કોથળો શંકાસ્પદ લાગતા કંડકટરે પૂછપરછ કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા કંડકટર અને ચાલકે 112 હેલ્પલાઇન પર પોલીસને જાણ કરી હતી. સાયલા પોલીસે બસને સ્ટેશને લાવીને તપાસ કરતા કોથળામાંથી 15.200 કિલોગ્રામ પ્રતિબંધિત પોશડોડા મળી આવ્યા હતા. પોલીસે સરકારી પંચોની હાજરીમાં વજન કરતા કુલ 15.200 કિલોગ્રામ પોશડોડા, જેની કિંમત 2,26,500 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યો છે. આ સાથે એક મોબાઈલ ફોન સહિત કુલ 2.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલ આરોપી જોહન રામસંગ ભૂરિયા (રહે. અંતરવેલિયા, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ) વિરુદ્ધ સાયલા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નશાના વેપલાની તપાસ હવે પાણશીણા પીઆઈ દેસાઈને સોંપવામાં આવી છે.
