રાવલ યોજનાનું પાણી ક્યાં ગયુ ? પાંચ ગામ તરસ્યાં

10 દિવસથી નળ સૂકા, અવેડા ખાલી ખજુદ્વાથી સૈયદ રાજપરા સુધી હજારો લોકોના પાણી માટે વલખાં: સીમરથી ખજુદ્વા સુધી નવી મજબૂત પાઈપ લાઈન નાખવાની સરપંચોની માંગ

ઉના તાલુકાના દરિયાકાંઠાના ખજુદ્વા, માણેકપુર, દુધાળા, સીમર અને સૈયદ રાજપરા ગામોમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. રાવલ જૂથ યોજના હેઠળ આ પાંચ ગામોને પાઈપ લાઈન મારફતે મીઠું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા હોવા છતાં છેલ્લા દસ દિવસથી ગામોમાં પૂરતું પીવાનું પાણી ન પહોંચતા ગ્રામજનોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ઘરના નળમાં પાણીની રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ગામના પશુપક્ષી ઓ માટેના અવેડા પણ ખાલી પડ્યા હોવાથી પાણી માટે લોકોની સાથે પશુધન પણ મુશ્કેલીમાં મુકાયું છે.
દરિયાકાંઠે આવેલા આ પાંચેય ગામોમાં સ્થાનિક કુવા અને તળાવના પાણીમાં ખારાશનું પ્રમાણ વધુ હોવાથી તેનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે રાવલ જૂથ યોજના મારફતે મળતું મીઠું પાણી જ ગ્રામજનો માટે મુખ્ય આધાર બની રહે છે. પરંતુ છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા અનેક પરિવારોને પીવાનું પાણી મેળવવા માટે દૂર-દૂરની વાડીઓ અને અન્ય વિસ્તારો સુધી જવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને પશુપાલકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે, કારણ કે પશુઓને પીવડાવવા માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે.
સ્થાનિક સરપંચોના જણાવ્યા મુજબ આશરે 14 વર્ષ અગાઉ નાખવામાં આવેલી ઙટઈ પાઈપલાઈન હવે જૂની અને નબળી બની ગઈ છે. પાઈપલાઈનમાં વારંવાર ભંગાણ પડવા ઉપરાંત વિવિધ સ્થળોએ વાલ્વ તથા જોડાણોમાં લીકેજ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે રાવલ જૂથ યોજનાનું પાણી ગામના સંપ અને ટાંકા સુધી પહોંચે તે પહેલાં જ રસ્તામાં વેડફાઈ જતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કેટલાક આગળના ગામોના માર્ગમાં પાણીની ચોરી થતી હોવાની ફરિયાદો પણ સ્થાનિક સ્તરે ઉઠતી હોવાનું સરપંચો જણાવી રહ્યા છે. પરિણામે યોજના હોવા છતાં છેવાડાના ગામો સુધી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી તેવી સ્થિતિ સર્જાઈ છે.
રાવલ જૂથ યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પાંચ ગામોની પાણીની સમસ્યામાં કાયમી સુધારો ન આવતાં હવે જૂની પાઈપલાઈનને બદલી નવી પાઈપલાઈન નાખવાની માંગ ઉગ્ર બની છે. રાવલ જૂથ યોજના હેઠળ વ્યક્તિદીઠ તેમજ પશુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા હોવા છતાં છેલ્લા દસ દિવસથી પાણી નહીં મળતા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કરોડોનો ખર્ચ અને યોજના હોવા છતાં જો ગામના સંપ સુધી પાણી જ ન પહોંચે તો વ્યવસ્થાની અસરકારકતા અંગે જવાબદારી નક્કી થવી જોઈએ, તેવી લાગણી પણ ગ્રામજનોમાં વ્યક્ત થઈ રહી છે.
પાંચેય ગામના સરપંચોએ આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સીમર ગામથી માણેકપુર, દુધાળા, સૈયદ રાજપરા થઈ ખજુદ્વા ગામ સુધી નવી અને મજબૂત લોખંડ,બીડની પાઈપલાઈન નાખવા રાવલ જૂથ યોજના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. સરપંચોનું કહેવું છે કે જૂની પાઈપલાઈનનું વારંવાર સમારકામ કરવાને બદલે એક વખત નવી મજબૂત પાઈપલાઈન નાખવામાં આવે તો ભંગાણ, લીકેજ અને પાણીના બગાડની સમસ્યા ઘટી શકે અને છેવાડાના ગામો સુધી નિયમિત પાણી પહોંચાડવું સરળ બની શકે.
હાલમાં વરસાદી માહોલ હોવા છતાં આ પાંચ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. વરસાદનું પાણી સીધું પીવા યોગ્ય ન હોવાથી અને ભૂગર્ભજળમાં ખારાશ હોવાથી રાવલ જૂથ યોજનાનું પાણી અહીંના લોકો માટે અત્યંત મહત્વનું છે. ગામોમાં પાણીની અછત લાંબી ચાલે તો ઘરવપરાશ ઉપરાંત પશુધન માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને પાણી માટે વધારાનો સમય અને ખર્ચ કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોનો સવાલ સીધો છે કે રાવલ જૂથ યોજના હેઠળ પાણીની વ્યવસ્થા હોવા છતાં ગામના સંપ-ટાંકા સુધી પાણી નિયમિત કેમ પહોંચતું નથી? જૂની પાઈપલાઈનના ભંગાણ અને લીકેજનું કાયમી નિરાકરણ ક્યારે આવશે? તેમજ પાણીની વચ્ચે થતી સંભવિત ચોરી અને બગાડને રોકવા માટે તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે? આવા પ્રશ્નો વચ્ચે હવે પાંચેય ગામના લોકો નવી પાઈપલાઈનની આશા રાખી રહ્યા છે.
સીમરથી ખજુદ્વા સુધી નવી મજબૂત પાઈપલાઈન નાખવામાં આવે, પાણીના માર્ગમાં થતા લીકેજ અને બગાડને રોકવામાં આવે તેમજ પાંચેય ગામને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પીવાનું મીઠું પાણી મળે તેવી માંગ ઉઠી રહી છે. રાવલ જૂથ યોજનાના પાણી પર નિર્ભર દરિયાકાંઠાના આ પાંચ ગામો માટે પાણી માત્ર સુવિધા નહીં પરંતુ જીવનનો આધાર છે. તેથી તાત્કાલિક યોગ્ય કામગીરી કરી કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનો અને સરપંચોની માંગ છે.

રિલેટેડ ન્યૂઝ