પોરબંદરની શાન સમાન જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ

5 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા: કાનુડાના જન્મોત્સવે પોરબંદર ઝળહળશે

પોરબંદર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે પાંચ દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવા માટેની વહીવટી પ્રક્રિયાઓ અને તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ગણાતો આ મેળો પોરબંદરની ઓળખ છે. જેમાં દર વર્ષે આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આશરે 5 લાખથી વધુ નાગરિકો મેળાની મજા માણવા ઉમટી પડે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
મહાનગરપાલિકા દ્વારા બીજી વખત આ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસ સુધી લોકપ્રિય કલાકારોના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે સરકારમાં મંજૂરી અને સહાય માટે રજૂઆત કરવામાં આવી છે.
પાણી નિકાલની ખાસ વ્યવસ્થા
ચોમાસાને ધ્યાનમાં રાખીને મેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે આગોતરું આયોજન કરાયું છે. મેદાન નજીકની ગટર ઉપરાંત જરૂર પડ્યે ટેમ્પરરી વ્યવસ્થા અને પમ્પિંગ મશીનરી દ્વારા પાણીના ત્વરિત નિકાલની ખાતરી આપવામાં આવી છે.
મેળાનો સમયગાળો
પરંપરાગત રીતે મેળો 5 દિવસનો હોય છે. પરંતુ નાગરિકોની લોકલાગણી અને ઉત્સાહને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં સમયમર્યાદા વધારવા અંગે પણ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનો તહેવાર લોકો આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવી શકે તે માટે તમામ પ્રકારની વહીવટી અને સુરક્ષાત્મક કામગીરી તેજ ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ