ડુમિયાણીની બી. આર. એસ. કોલેજમાં ડિબેટ સ્પર્ધા યોજાઈ
આજ રોજ ડુમિયાણી બી.આર. એસ. કોલેજમાં વિદ્યાર્થીઓમાં વાંચનપ્રેમ, તર્કશક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી “પુસ્તકોનું વાંચન મહત્વપૂર્ણ કે ઇન્ટરનેટ પરની માહિતી મહત્વપૂર્ણ” વિષય પર ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સેમ. 5 ના વિસ્તરણ, અર્થશાસ્ત્ર, ગુજરાતી અને હિન્દી વિષયના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્પર્ધામાં બંને પક્ષના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા એક તરફ પુસ્તકોના સમર્થકોએ પુસ્તકોને જ્ઞાનનો વિશ્વસનીય, ગહન અને ચિંતનશીલ સ્ત્રોત ગણાવતાં તેના વાંચનથી એકાગ્રતા, ભાષા-સમૃદ્ધિ અને વ્યક્તિત્વ વિકાસ થતો હોવાનું જણાવ્યું. બીજી તરફ ઇન્ટરનેટના સમર્થકોએ આજના ડિજિટલ યુગમાં ઝડપથી અને વૈવિધ્યસભર માહિતી ઉપલબ્ધ કરાવવામાં ઇન્ટરનેટની અગત્યની ભૂમિકા રજૂ કરી તેમજ ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગનું મહત્વ સમજાવ્યું.
વિદ્યાર્થીઓના તર્ક, ઉદાહરણો અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆતને ઉપસ્થિત સૌએ ખૂબ બિરદાવી વિષયવસ્તુ, તર્કબદ્ધ રજૂઆત, ભાષાશૈલી અને અભિવ્યક્તિ પ્રશંસનીય રહી.
કાર્યક્રમના અંતે પ્રાધ્યાપક ડો. એમ. જે. દેસાણી સાહેબ એ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે પુસ્તકો અને ઇન્ટરનેટ બંને જ્ઞાનના મહત્વપૂર્ણ સાધનો છે. યોગ્ય વિવેક સાથે બંનેનો સંતુલિત ઉપયોગ કરીને જ સાચા અર્થમાં સર્વાંગી વિકાસ શક્ય બને છે.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. ઘનશ્યામ સિંહ ગોહિલ સર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના સમગ્ર પ્રાધ્યાપક ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ત્રણેય સેમેસ્ટરના વિદ્યાર્થી ભાઈઓ – બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાળીઓના ગડગડાટ થી સ્પર્ધક ભાઈઓ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
