વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓનું સરનામું વિસરાયું, અરજદારોેને થતા ધક્કા

કે.વાઈ.સી., આધારકાર્ડ સહિતની કામગીરી દોઢ મહિનાથી બંધ : અન્ય તાલુકામાં જવા અરજદાર મજબૂર

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરની પોસ્ટ ઓફિસમાં સુવિધાઓના અભાવે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી માટે ઉપલબ્ધ એકમાત્ર કિટનું કમ્પ્યુટર છેલ્લા દોઢ મહિનાથી બંધ હોવાથી વિરપુર સહિત આસપાસના લગભગ 15 ગામોના લોકોને ઊંઢઈ, નવું આધારકાર્ડ, નામ-સરનામું સુધારવા, મોબાઇલ નંબર અપડેટ કરવા સહિતની કામગીરી માટે જેતપુર અને ગોંડલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ વીરપુર એ રાજકોટ જિલ્લાના મોટા ગામોમાંનું એક છે અને અહીં અંદાજે 20 થી 22 હજારની વસ્તી વસે છે. યાત્રાધામ હોવાના કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. છતાં આધારકાર્ડ જેવી મહત્વની સરકારી સેવા છેલ્લા દોઢ મહિનાથી સંપૂર્ણપણે બંધ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં બેંક ખાતા, રેશનકાર્ડ, ગેસ કનેક્શન, વિવિધ સરકારી યોજનાઓ, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ, આવકના દાખલા, જાતિના દાખલા સહિત અનેક જરૂરી કામગીરી માટે આધારકાર્ડ ફરજિયાત બન્યું છે. છતાં વિરપુર પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ માટેની સેવા બંધ હોવાથી લોકોને ચોમાસાના વરસાદમાં પણ નાના બાળકો સાથે જેતપુર મામલતદાર કચેરી અથવા ગોંડલ સુધી જવાની ફરજ પડી રહી છે. ત્યાં પણ લાંબા વેઇટિંગને કારણે લોકોને સમયસર કામગીરી મળી રહી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં પોસ્ટ વિભાગ તરફથી માત્ર “કમ્પ્યુટર બંધ છે, ક્યારે ચાલુ થશે તે નક્કી નથી” એવો જવાબ આપવામાં આવે છે. દોઢ મહિનાથી કિટ બંધ હોવા છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

CCTV કેમેરા પણ બંધ હાલતમાં
વીરપુર પોસ્ટ ઓફિસમાં હજારો ખાતાધારકો પોતાના નાણાકીય વ્યવહારો માટે આવતા હોય છે. આવા સંવેદનશીલ સ્થળે સુરક્ષાની દ્રષ્ટિએ CCTV કેમેરા અત્યંત જરૂરી હોવા છતાં પોસ્ટ ઓફિસના તમામ ઈઈઝટ કેમેરા પણ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વિરપુર પોસ્ટ ઓફિસમાં એક કર્મચારી દ્વારા લાખો રૂપિયાની ઉચાપતનો બનાવ પણ સામે આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં ઈઈઝટ કેમેરા બંધ હોવાને કારણે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે અને તાત્કાલિક કેમેરા કાર્યરત કરવા માંગ ઉઠી છે.
અધિકારીઓના વિરોધાભાસી જવાબથી લોકોમાં અસંતોષ
આ અંગે વિરપુર પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ જણાવ્યું હતું કે આધારકાર્ડની કામગીરી સંભાળતા કર્મચારીની બદલી થઈ ગઈ છે તેમજ કિટનું કમ્પ્યુટર બંધ હોવાથી ઉપર કચેરીમાં જાણ કરવામાં આવી છે. બીજી તરફ ગોંડલ હેડ પોસ્ટ ઓફિસના અધિકારી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેમને કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી. તેમણે વધુમાં કહ્યું કે કમ્પ્યુટરમાં ટેક્નિકલ સમસ્યા છે અને તેને દૂર કરવામાં હજુ અંદાજે 10થી 12 દિવસ લાગી શકે છે. સાથે જ પોસ્ટ વિભાગ પાસે નવું કમ્પ્યુટર ખરીદવાની કોઈ જોગવાઈ ન હોવાનું પણ જણાવ્યું હતું. વિભાગના બે જુદા-જુદા જવાબોને કારણે લોકોમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે.

રિલેટેડ ન્યૂઝ