કરોડોનું બજેટ માત્ર કાગળ પર ?: કટોકટીની સ્થિતિમાં દર્દીને જામનગર જવુ પડતા હાલાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પછાત ગણાતા જામ કલ્યાણપુર તાલુકા મથકે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) ને અપગ્રેડ કરીને પેટા જિલ્લા કક્ષાની 100 પથારીની આધુનિક હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે રૂ. 3.30 કરોડ જેટલી તોતિંગ રકમનું બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ દુ:ખદ બાબત છે કે આ સરકારી મંજૂરી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે અને જમીન સ્તર પર હજુ સુધી ઈંટ પણ મુકાઈ નથી.
કલ્યાણપુર તાલુકામાં અનેક અંતરિયાળ અને ગરીબ વર્ગની વસ્તી ધરાવતા ગામડાઓ આવેલા છે. પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ મંજૂર થતાં લોકોને આશા જાગી હતી કે હવે તેમને ઘરઆંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો, આધુનિક ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી સારવાર મળી રહેશે. પરંતુ તંત્રની કહેવાતી ઢીલી નીતિ અને મંજૂરી બાદની ટેન્ડર પ્રક્રિયામાં થઈ રહેલા અતિશય વિલંબને કારણે ગરીબ દર્દીઓને આજે પણ નાની બીમારીઓ કે પ્રસુતિ જેવી કટોકટીની સ્થિતિમાં 40 થી 50 કિલોમીટર દૂર ખંભાળિયા અથવા જામનગર સિવિલ હોસ્પિટલ સુધી દોડવું પડે છે.
આ પરિસ્થિતિમાં જનતા સહનશીલતાની હદ વટાવી ચૂકી છે. સરકાર દ્વારા સૈદ્ધાંતિક અને નાણાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં વહીવટી તંત્ર કયા કારણોસર આ કામ અટકાવીને બેઠું છે તે એક મોટો સવાલ છે. આ વહીવટી ઉદાસીનતા સામે સ્થાનિક સંગઠનો, અગ્રણીઓ અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે હોસ્પિટલના ભવન નિર્માણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.
જો આગામી દિવસોમાં આ મામલે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક જનતા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.
