રાજુલામાં રહેણાંક મકાનમાં ધમધમતી શાળા નિયમોના ઉડતા લીરેલીરા : તંત્રના આંખ આડા કાન

સ્ટેશનરી એસો. દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છતા શિક્ષણ વિભાગ રહેણાંક મકાનમાં શાળા બંધ કરાવવામાં નિષ્ફળ

આજના આધુનિક યુગમાં જ્યાં શાળાઓ માટે મોટા આલીશાન બિલ્ડિંગો અને કરોડોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થાય છે, ત્યારે એક અત્યંત ચોંકાવનારો અને ગજબ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલા ભરતનગર વિસ્તારમાં ‘સેન્ટ જોસેફ’ નામની એક ખાનગી શાળા આવેલી છે. અહીં આ શાળા દ્વારા કોઈપણ જાતના ડર વગર એક રહેણાંક (રેસિડેન્શિયલ) મકાનની અંદર ધમધમી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત આ શાળામાં હાલ ધોરણ 1 થી 4 સુધીનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું હોવાની વિગતો સામે આવી છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, આ શાળા સરકાર અને શિક્ષણ વિભાગના તમામ નિયમોને નેવે મૂકીને ચલાવવામાં આવી રહી છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ રહેણાંક મકાનમાં ચાલતી સ્કૂલમાં બાળકો માટે પૂરતી સુવિધાઓનો અભાવ છે. મકાનની અંદર બાળકો માંડ-માંડ બેસી શકે એટલી જ સાંકડી જગ્યા છે જેના કારણે નિર્દોષ ભૂલકાઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. અને ફી પ્રમાણે પણ બાળકોને યોગ્ય સુવિધાઓ મળતી નથી. આટલું જ નહીં, શાળામાં બાળકોના શારીરિક વિકાસ માટે અનિવાર્ય એવું રમતનું ગ્રાઉન્ડ પણ નથી. માત્ર અને માત્ર ફી વસૂલવાની લોભ-લાલચમાં જ શાળાના સંચાલકોએ આખું શૈક્ષણિક સંકુલ એક સામાન્ય મકાનમાં સમેટી લીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકારના કાયદા મુજબ, કોઈપણ ખાનગી શાળા શરૂ કરવા માટે પ્લે-ગ્રાઉન્ડ, વર્ગખંડોની ચોક્કસ સાઈઝ, ફાયર સેફ્ટી અને વહીવટી તંત્રની મંજૂરી જેવા કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. તાજેતરમાં જ આ સ્કૂલ વિવાદમાં આવી હતી, જેમાં પોતાની સ્કૂલમાંથી જ બાળકોના મોંઘા ભાવના પુસ્તકો ખરીદવા વાલીઓને મજબૂર કર્યા હતા. અને સ્કૂલ દ્વારા મોંઘા ભાવથી પુસ્તકોનું વેંચાણ કરવામાં આવતું હતુ જોકે આ બાબતની સ્ટેશનરી ચલાવતા વેપારીઓને જાણ થતા રોષ જોવા મળ્યો હતો. અને બાદમા સ્ટેશનરી એસોશિયન દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને ત્યારબાદ શિક્ષણ વિભાગે માત્ર કેવા ખાતર નોટિસો આપી હતી. અને કાર્યવાહી કરવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે, આ શાળાના સંચાલકોએ કયા આધારે અને કોની મંજૂરીથી રહેણાંક મકાનમાં સ્કૂલ શરૂ કરી દીધી છે.? સૌથી મોટો સવાલ સ્થાનિક શિક્ષણ વિભાગ સામે પણ ઊઠી રહ્યો છે. મહત્વની વાત એ છે કે, અહીં રહેણાંક મકાનમાં શાળા સંચાલકો પોતે વસવાટ કરી રહ્યાં છે અને સ્કૂલ પણ ચલાવી રહ્યા છે. વર્ષોથી આ વિસ્તારમાં આવી ગંભીર બેદરકારીથી સ્કૂલ ચલાવવામાં આવી રહી હોવા છતાંપણ શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શું તંત્રને આટલા વર્ષોમાં મકાનની અંદર ચાલતી સ્કૂલ નજરે ન પડી કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ ઉઠ્યો છે. આ બાબત સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે શિક્ષણ વિભાગ ક્યારે જાગશે અને ક્યારે આ શાળાની ઊંડાણપૂર્વક તપાસ કરીને સંચાલકો સામે કડક પગલાં ભરશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

રિલેટેડ ન્યૂઝ