જામનગરમાં રોડના કામ સમયે થતા નળ જોડાણનો ખર્ચ ટેન્ડરમાં જ આવરી લેવાશે

શ્ર્વાનનું રસીકરણ અને ખસીકરણ થાય છે તો શહેરમાં શ્ર્વાનની સંખ્યામાં વધારો કેવી રીતે થાય?

જામનગરમાં ડામર અને સીસી રોડ ના કામ સમયે નળ જોડાણ બદલવા નો ખર્ચ હવે નળ જોડાણ ધારક એ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે એટલે કે હવે તે ખર્ચ મહાનગરપાલિકા જ ભોગવશે તેવી દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ થતાં તેને સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી.આ નિર્ણયને તમામ કોર્પોરેટરોએ આવકાર્યો હતો.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આજે મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં કમિશનર દિપેશ કેડીયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગત મિનીટસને બહાલી અંગેની દરખાસ્તમાં સહારાબેન મકવાણા એ જણાવ્યું હતું કે જે અમુક રોગ ની સારવાર માટે ની સહાય નો ઠરાવ નથી છતાં તેને આવરી લેવાયા છે. તે આવકાર્ય છે. તો જેનબબેન ખફીએ કહ્યું હતું કે સહાય ચૂકવવાની દરખાસ્ત આવકાર્ય છે. પરંતુ ચૂકવણી ઝડપથી થાય તે જરૂરી છે.
પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગનું મહેકમ મંજુર કરવાની દરખાસ્તમાં ચર્ચામાં ભાગ લેતા જેનબબેન ખફીએ કહ્યું હતું કે, શ્વાનના રસીકરણ, ખસીકરણનું કામ થાય છે તો શહેરમાં શ્વાનની સંખ્યા કેમ સતત વધી રહી છે ? રસીની તપાસ કરાવવી જોઈએ. તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે તા. 14-8-25 થી અત્યાર સુધીમાં 3915 ના ખસીકરણની કામગીરી કરવામાં આવી છે. તો સહારાબેન મકવાણાએ કહ્યું હતું કે, રોસ્ટર, લાયકાતને ધ્યાને રાખી ભરતી કરવામાં આવે તે જરૂરી છે. આખરે સર્વેનુમત્તે દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. શ્રાવણી મેળાના દિવસો અને અપસેટ પ્રાઈઝ નક્કી કરવાની દરખાસ્ત અંગે જનબબેન ખફીએ કહ્યું હતું કે, મેળો પૂરો થયા પછી આવી દરખાસ્ત કેમ?
રાઈડ ના ભાવો બેફામ વસૂલાયા હતાં તેના ઉપર અંકુશ થાય તે માટે મેળા પહેલા જ આવી દરખાસ્ત લાવવી જોઈએ. પ્રોજેક્ટ ઓફિસર વર્ગ-ર પૃથ્વીબેન જયસુખભાઈ ઓડવડિયા ને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-ર તરીકેની સેવાને સંળગ ગણવાની દરખાસ્ત પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. નગર યોજના નંબર, ર, રપ અને 4 (જામનગર-ધુંવાવ) ની દરખાસ્તો પણ સર્વાનુમતે મંજુર રખાઈ હતી. આ મુદ્દે જેનબબેન ખફીએ કહ્યું હતું કે હાલમાં જામનગરમાં પીવાના પાણીની સમસ્યા છે, જે ખરેખર તો એજન્ડામાં હોવું જોઈએ.આ અંગે મેયર મોનિકાબેન વ્યાસએ જવાબ આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પાણી ની સમસ્યા નહીં રહે.
વોટર વર્કસના કાર્યપાલક ઈજનેર નરેશ પટેલ એ જણાવ્યું હતું કે, ઊંડ-1, અને રણજીતસાગરમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવામાં આવ્યું છે, અને સસોઈ ડેમમાં પણ આજે પાણીની આવક શરૂ થઈ જશે. રણજીતસાગર ડેમ પછી રંગમતિ ડેમ ભરાશે અને ત્યાર પછી રણમલ તળાવમાં પણ પાણીની આવક થશે.
આ પછી અધ્યક્ષસ્થાને દરખાસ્ત રજૂ થઈ હતી કે ડામર અને સીસી રોડના કામ સમયે પાણીની જુની પાઈપલાઈન બદલવી પડે છે. તેના ખર્ચનો સમાવેશ હવે ટેન્ડર સમયે જ કરાશે. એટલે કે લોકોએ આ ખર્ચ કરવો પડશે નહીં. હવે નળ જોડાણો નવી ડીઆઈ પાઈપલાઈનમાં ફેરવાશે. આ અંગે ચેરમેન ધીરેનકુમાર મોનાણીએ કહ્યું હતું કે, આ દરખાસ્તથી લોકોને ખૂબ જ ફાયદો થશે. આ માટે સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે. એમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે રીટર્ન ગિફ્ટ સમાન છે, જ્યારે આ દરખાસ્તનો આજ થી જ અમલ કરવા સુભાષ જોષી એ સૂચન કર્યું હતું. સુરેશ આલરિયાએ પણ સરકાર, સાંસદ, ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતાં, જો કે તેમણે દરરોજ 50 લાખ લીટર પાણીના લોસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમાં સુધારો કરવા પણ સૂચન કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ