સર્જરી દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઇમ ઇમેજની સુવિધાથી સારવાર પ્રક્રિયા બનશે સરળ
દર્દીને સમયસર, સચોટ અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે જ સાચી આરોગ્યસેવાની ઓળખ છે. આ જ સેવાભાવને વધુ મજબૂત બનાવવાના હેતુસર પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના ઓર્થોપેડિક વિભાગમાં નવી ઈંઈંઝટ મશીન તથા સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ બંને આધુનિક તબીબી સાધનોનું આજે હોસ્પિટલ પરિસરમાં વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. કમલસિંહ ડોડીયા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી મકાડિયા, ઓર્થોપેડિક વિભાગના વડા ડો.શૈલેષ રામાવત, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ નિરવ દુધરેજિયા, પ્રકાશ પ્રજાપતિ, ઘઝ ઈન્ચાર્જ સિસ્ટર નીતાબેન પટેલ, સિસ્ટર હંસાબેન સહિત તબીબી, નર્સિંગ તથા હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
નવી ઈંઈંઝટ મશીન દ્વારા ઓપરેશન દરમિયાન શરીરના અંદરના ભાગોની રિયલ-ટાઈમ ઈમેજિંગની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરી દરમિયાન જરૂરી પ્રક્રિયાઓ વધુ ચોકસાઈપૂર્વક કરવામાં આ મશીન મહત્વપૂર્ણ સહાયરૂપ બનશે. બીજી તરફ, નવી સોનોગ્રાફી મશીનના કારણે દર્દીઓની જરૂરી તપાસ હોસ્પિટલમાં જ વધુ સરળતાથી અને સમયસર થઈ શકશે. આધુનિક સાધનો ઉપલબ્ધ થવાથી દર્દીઓને તપાસ અને સારવાર માટે બહારની સુવિધાઓ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. સાથે જ, સમયસર નિદાનથી યોગ્ય સારવાર તરફનો માર્ગ વધુ સરળ બનશે અને દર્દી તથા તેમના પરિવારજનો માટે સારવારની પ્રક્રિયા વધુ સુગમ બનશે.
