ચીનમાં વાવાઝોડા અને પૂરનો કહેર: 20ના મોત, 275થી વધુ ઘાયલ

ટોર્નેડો સાથે આભ ફાટ્યું ; ડેમ તૂટતાં 48,000 લોકોનું સ્થળાંતર: રાષ્ટ્રપતિ શી જિનપિંગે બચાવ કાર્ય માટે સેના ઉતારી

ચીનનાં સેન્ટ્રલ અને સધર્ન (મધ્ય અને દક્ષિણ) વિસ્તારમાં ત્રાટકેલા ભીષણ વાવાઝોડા, ટોર્નેડો અને ભારે વરસાદને કારણે ભારે તબાહી થઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યાં છે, જ્યારે 275થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાનાં અહેવાલ છે. આ ઉપરાંત અન્ય નવ લોકો હજુ પણ ગુમ છે. આપત્તિની ગંભીરતાને જોતાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ એજન્સીઓને રાહત અને બચાવ કામગીરીમાં પૂરી તાકાત લગાવી દેવા અને અસરગ્ર્રસ્તોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ‘ઓલ-આઉટ’ ઓપરેશનના આદેશ આપ્યાં છે.

ચીનના હુબેઈ પ્રાંતમાં સોમવારે અચાનક હવામાન પલટાયું હતું, જ્યાં હુઆંગશી અને હુઆંગગાંગ જેવા શહેરોમાં તીવ્ર ગતિએ ફૂંકાયેલા પવન અને વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. સરકારી મીડિયાનાં જણાવ્યાં અનુસાર, હુઆંગગાંગ જિલ્લામાં જ માત્ર મંગળવાર સવાર સુધીમાં 275 લોકો ઘાયલ થયાં હોવાની પુષ્ટિ થઈ છે. તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને સેંકડો સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યાં છે, છતાં પણ કેટલાક વિસ્તારોમાં ટોર્નેડોની અસરને કારણે નુકસાનનો આંકડો વધવાની આશંકા સેવાઈ રહી છે.
બીજી તરફ, દક્ષિણ ચીનનાં ગુઆંગક્ષી ક્ષેત્રમાં ‘માયસાક’ વાવાઝોડાને કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદનાં લીધે ગુઆંગક્ષીની રાજધાની નાનિંગમાં પૂર નિયંત્રણ તંત્રને હાઈ-એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. અહીં એક જળાશયનો ડેમ તૂટવાને કારણે રહેણાંક વિસ્તારોમાં કાદવયુક્ત પાણી ફરી વળ્યાં છે અને ઘરો તેમજ વાહનો પાણીમાં ડૂબી ગયાં છે. પૂરનાં ભયાનક જોખમને જોતાં અત્યાર સુધીમાં 48,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને લાઈફ જેકેટ તેમજ ઈન્ફ્લેટેબલ બોટ સાથે બચાવ ટુકડીઓ પાણીમાં ફસાયેલાં લોકોને બહાર કાઢી રહી છે.

રિલેટેડ ન્યૂઝ