સેન્સેક્સમાં ૫૪૪ પોઇન્ટનો ઉછાળો:સોના-ચાંદીમાં સુધારો

ટ્રમ્પના નિવેદૃન બાદૃ ક્રુડ ત્ોલના ભાવમાં કડાકો: બ્રેન્ટ ક્રુડ ૮૪ ડોલરથી નીચે

મુંબઇ શેરબજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભે જોરદાર તેજી હતી. ઓલરાઉન્ડ લેવાલીથી લાર્જકેપ-મીડકેપ-સ્મોલકેપ સહિત તમામ શેરો ઉંચકાયા હતા. સેન્સેક્સમાં 544 પોઇન્ટનો ઉછાળો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું હતું. વૈશ્ર્વિક પરિબળો પોઝીટીવ બની જતાં તેજીનો ધમધમાટ હતો. શરૂઆત જ પ્રોત્સાહક હતી અને ધૂમ લેવાલીથી તેજી ાગળ ધપવા લાગી હતી. અમેરિકન પ્રમુખે ઇરાન પર ભયાનક હુમલો કરવાનો પ્લાન પડતો મુકતા અને બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઇ જતાં રાહત થઇ હતી. આ ઘટનાક્રમની અસરથી ક્રૂડતેલ પાંચ ટકા પટકાયું હતું. કરન્સી માર્કેટમાં રૂપિયો મજબૂત થયો હતો. જેની પોઝીટીવ અસરે માર્કેટ તેજી તરફી હરણફાળ ભરતું રહ્યું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કેટલાંક વખતથી માર્કેટને યુધ્ધ, ક્રૂડના ઉંચા ભાવ જેવા કારણોએ જ અનિશ્ર્ચિતતામાં ધકેલ્યું હતું. યુધ્ધ સમાપ્ત થવા સાથે સ્થિતિ નોર્મલ બની જાય તો તેજી આડે અન્ય કોઇ વિઘ્ન રહે તેમ નથી.
શેરબજારમાં આજે એપીએલ એપોલો, જ્યુબીલન્ટ ક્રૂડ, પેટીએમ, ડીવીઝ લેબ, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, સુઝલોન, અશોક લેલેન્ડ, વિંધ્યા, ટેલી, પતંજલી, ટાટા કેપીટલ, વારી એનર્જી જેવા શેરોમાં સુધારો હતો. મુથુટ ફાઇનાન્સ, ગેઇલ, મન્નાપુરમ, વોડાફોન જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 642 પોઇન્ટના ઉછાળાથી 78736 હતો તે ઉંચામાં 78895 તથા નીચામાં 78497 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 390 પોઇન્ટના ઉછાળાથી 24591 હતો તે ઉંચામાં 24609 તથા નીચામાં 24515 હતા.બીજી તરફ સોના-ચાંદીમાં તેજી હતી. વિશ્ર્વબજારમાં સોનુ 4057 ડોલર હતું. સ્થાનિક માર્કેટમાં વાયદામાં 325 વધીને 143700 હતું. હાજરમાં 147350 હતું. ચાંદી વાયદામાં 1450 વધીને 218650 હતી. હાજરમાં ભાવ 225700 હતો.કરન્સી માર્કેટમાં ડોલર સામે ભારતીય રૂપિયો 13 પૈસા વધીને 95.27 હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં એ નિવેદન બાદ આ કડાકો આવ્યો છે, જેમાં તેમણે ઈરાન સામે નવા લશ્કરી હુમલા રોકવાનો આદેશ આપવાની વાત કરી છે અને મધ્ય પૂર્વમાં શાંતિ કરાર ટૂંક સમયમાં થવાનો દાવો કર્યો છે. આ સમાચાર આવતાં જ યુએસ ક્રૂડ ઓઇલ અને આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ બંનેની કિંમતોમાં 5 ટકા જેટલો મોટો ઘટાડો થયો હતો, જેનાથી બ્રેન્ટ ક્રૂડ ઘટીને 83.87 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ક્રૂડ 80.79 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષના કારણે તેલનાં ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો અને કિંમતો 100 ડોલર પ્રતિ બેરલને પણ વટાવી ગઈ હતી. છેલ્લાં પાંચ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલાં આ તણાવને કારણે હોર્મુઝની સમુદ્રધૂનીમાંથી પસાર થતાં તેલનાં ટેન્કરો અટવાઈ ગયાં હતાં. હવે જો આ લડાઈ બંધ થશે તો તેલની સપ્લાય પૂર્વવત થશે અને ઓઇલ ટેન્કરોની અવરજવર સરળ બની જશે.
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે વિશ્વભરમાં પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ મોંઘા થયા હતા, જેનાથી મુસાફરી અને માલસામાનનું પરિવહન મોંઘું થઈ ગયું હતું. કેટલાક દેશોમાં તો ઇંધણની ભારે અછત સર્જાતા રેશનિંગ લાગું કરવાની અને સરકારી કચેરીઓ બંધ કરવાની નોબત આવી હતી. જ્યારે બીજી તરફ આ મોંઘવારીનો લાભ લઈને તેલ કંપનીઓએ અધધ નફો કમાયો હતો. હવે ક્રૂડના ભાવ ઘટવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારીમાંથી રાહત મળવાની શક્યતા સેવાઈ રહી છે.
ભારત જેવા દેશોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાની સીધી અસર પેટ્રોલ-ડીઝલના દૈનિક ભાવ પર તરત જ જોવા મળતી નથી. નિષ્ણાતોના મતે ભારતમાં ઇંધણની કિંમતો માત્ર આંતરરાષ્ટ્રીય ક્રૂડ પર જ નહીં, પરંતુ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય, રિફાઇનિંગ ખર્ચ અને કેન્દ્ર-રાજ્ય સરકારનાં ટેક્સ જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલ સસ્તું થવાથી લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોનાં ખિસ્સાને મોટો ફાયદો થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ