કોણે પેલેટ ગન ચલાવવા આદેશ આપ્યો; કેમ ગૃહમંત્રી સંસદમાં આવતા નથી: પ્રિયંકાના પ્રશ્ર્નો
નવી દિલ્હી: જંતર મંતર આંદોલન પર પોલીસ-અર્ધલશ્કરી દળોના લાઠીચાર્જ તથા પેલેટગનના વિભાગ અંગે વિપક્ષોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સંસદમાં હાજર થાય તેવી માંગણી સાથે બન્ને ગૃહોની કામગીરી ખોરવી રહ્યા છે. તેમાં આજે વિપક્ષોએ ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી કુચ કરી હતી અને અમીત શાહ જવાબ આપે તેવી માંગણી સાથે દેખાવ-સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષો અયોધ્યામાં દાનચોરીનો મુદો પણ ઉઠાવી રહ્યા છે. આ દેખાવનું નેતૃત્વ કરનાર કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જેઓ સરકારમાં છે તેની જવાબદારી પણ હોય છે. આ લોકતંત્ર છે. તાનાશાહી નહી ચાલે. આ કોઈનો શાહીનો દરબાર નથી પણ જે રીતે વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. પેલેટ ગનનો ઉપયોગ થયો. અશ્રુવાયુ છોડવામાં આવ્યો. લાઠીચાર્જ થયો. આ બધું કોના આદેશથી થયુ તે નિશ્ર્ચિત થવું જોઈએ. કોઈકે તો આદેશ આપ્યા જ હશે. જેણે આદેશ આપ્યા હોય તેણે જવાબદારી લેવી જોઈએ. ગૃહમંત્રી અમીત શાહે સંસદમાં નિવેદન કરવું જોઈએ. શા માટે તેઓ ગૃહ સમક્ષ આવતા નથી! તથા રામમંદિર ચંદા-ચોરીમાં કોણ જવાબદાર! વિપક્ષોએ અમીત શાહ જવાબ દોના સૂત્રો પોકાર્યા હતા. આ બાદ આજે સંસદના બન્ને ગૃહોમાં પ્રારંભ થઈ ફરી આ મુદો ઉઠયો હતો અને બન્ને ગૃહો મુલત્વી રહ્યા હતા. રાજયસભામાં વિપક્ષે પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.
