ગોંડલમાં રેલવે ટ્રેક નજીક ઈજાગ્રસ્ત હાલતમાં યુવતિનો મૃતદેહ મળ્યો


હત્યા કે અકસ્માત અંગે પોલીસની તપાસ, લાશ ફોરેન્સીકમાં ખસેડાઇ

ગોંડલ નાં ગુંદાળા ફાટક થી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીક વહેલી સવારે ઇજાગ્રસ્ત હાલત માં યુવતીનો મૃતદેહ મળી આવતા ઘેરુ રહસ્ય સર્જાયું છે.જો ટ્રેન હડફેટે યુવતીનું મોત નિપજ્યું હોય તો વહેલી સવારે યુવતી રેલ્વે ટ્રેક પાસે કઇ રીતે પંહોચી?
કે પછી કોઈ એ યુવતીની હત્યા કરી મૃતદેહ રેલ્વે ટ્રેક નજીક નાંખી દિધો ? સહિત નાં સવાલો એ પોલીસ ને ચકરાવે ચડાવી છે.
યુવતીને મોઢાનાં જડબા નાં ભાગે તથા હાથપગ માં ઇજા હોય બનાવ શંકાસ્પદ જણાતા તેનાં મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળા ફાટક અને સાંઢીયાપુલ વચ્ચે રેલ્વે ટ્રેક ની બાજુમાં સવારે ઇજાગ્રસ્ત યુવતીનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે દોડી ગયેલા બી’ડીવીઝન પોલીસ એએસઆઇ બાવકુભાઇ ખાચરે મૃતદેહ ને ગોંડલ ની સરકારી હોસ્પિટલ માં ખસેડ્યો હતો.
બનાવ રેલ્વે પોલીસ ની હદ માં બન્યો હોય રેલ્વે પીએસઆઇ કે.યુ.વાળા,હેડ કોન્સ્ટેબલ મધુરાજસિહ વાળા સહિત પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલ દોડી ગયો હતો.અને તપાસ હાથ ધરી હતી.
મૃતક મહીલા પાસે થી મળી આવેલા પર્સ માં તેના પુત્ર નાં મોબાઇલ નંબર હોય તેને જાણ કરતા તે ગોંડલ દોડી આવી મૃતદેહ તેની માતા મંજુલાબેન વિનુભાઈ બારૈયા ઉ.42 હોવાનું જણાવતાં ઓળખ મળી હતી.
મૃતક મંજુલાબેન નાં પતિ હાલ ભાવનગર રહેછે. અને અલંગ નાં ડેલા માં કામ કરેછે.પતિ પત્નિ ઘણાં સમય થી અલગ રહેછે.મંજુલાબેન ને સંતાન માં બે દિકરા અને બે દિકરીઓ છે.જે પૈકી એક જામનગર તથા બીજી દિકરી જામકંડોરણા સાસરે છે. મોટો દિકરો ભાવેશ હાલ રીબડા રહેછે.અને ડ્રાઇવીંગ કામ કરેછે.જ્યારે નાનો દિકરો તેની બહેન ભેગો જામકંડોરણા રહેછે. મંજુલાબેન ગોંડલ નાં વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગર માં એકલા રહેતા હતાં.હોટેલ તથા કેટર્સ માં રસોઇ કામ કરી જીવનનિર્વાહ ચલાવતા હતાં.
વહેલી સવારે પાંચ થી છ ની વચ્ચે બનાવ બન્યો હોવાનાં અનુમાન સાથે પોલીસે રહસ્ય સર્જતી ઘટના અંગે તપાસ નાં ચક્રોગતિમાન કરી મંજુલાબેન સાથે રિલેશનશીપ માં રહેતાં એક શખ્સ ને ઉઠાવી પુછપરછ હાથ ધરી છે.
મૃત્યુ નું ખરુ કારણ પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે તેવુ તપાસનીસ પોલીસે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ