સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ જળાશય પાલીતાણાનો શેત્રુંજી ડેમ ભારે પાણીની આવકને પગલે ગઈકાલ સાંજથી જ સંપૂર્ણ છલોછલ થઈ ગયો છે. ડેમનું નિયત જળસ્તર (રૂલ લેવલ) જાળવી રાખવા માટે શરૂઆતમાં 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જો કે, ઉપરવાસમાં ખાસ કરીને અમરેલી અને ધારી પંથકમાં વરસેલા અતિભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધતી રહી હતી. પરિણામે, આજે વહેલી સવારે 4:40 કલાકે શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા અઢી ફૂટ થી ખોલી નાખવાની ફરજ પડી હતી.
આજે સવારે ડેમમાં 21,800 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક નોંધાઈ રહી છે. તમામ દરવાજા ખોલાતાં હેઠળવાસમાં આવેલી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા નદીમાં વહી જતાં પાણીના યોગ્ય જળસંચય અને સિંચાઈના હેતુ માટે તેને જમણા કાંઠાની નહેરમાં પણ છોડવામાં આવ્યું છે.
શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ જતાં ભાવનગર શહેર માટે પીવાના પાણીની સંભવિત તંગીનો પ્રશ્ન હવે કાયમી ધોરણે ઉકેલાઈ ગયો છે. આ સાથે જ નહેરના ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં આવતા ગ્રામ્ય પંથકના ખેડૂતો માટે પિયત (સિંચાઈ)ની ચિંતા પણ દૂર થઈ ગઈ છે, જેને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં હરખની હેલી જોવા મળી રહી છે.
