શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ થશે વૃક્ષારોપણ અભિયાન
રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાના સતત પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમના પરિણામે અમરેલી શહેરમાં વિકાસ કાર્યોને સતત વેગ મળી રહ્યો છે. શહેરના સર્વાંગી વિકાસની સાથે પર્યાવરણ સંવર્ધનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલરૂપે અમરેલી નગરપાલિકાને ફાળવવામાં આવેલી ઉખઋ ગ્રાન્ટ અંતર્ગત શહેરમાં અંદાજે 13,000 વૃક્ષોનું વાવેતર આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયાના નેતૃત્વમાં નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં હરિયાળીનું પ્રમાણ વધારવાનો, પર્યાવરણનું સંવર્ધન કરવાનો તેમજ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
ઊર્જા મંત્રીના માર્ગદર્શન તથા નગરપાલિકાના પ્રમુખની આગેવાનીમાં આ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે 13 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ વૃક્ષોના જતન અને સંવર્ધન માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
આ અભિયાનથી અમરેલી શહેરમાં હરિયાળી વધશે, હવાની ગુણવત્તામાં સુધારો થશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ મળશે. નગરપાલિકા દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી આગામી દિવસોમાં વૃક્ષારોપણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.
