વાંકાનેરમાં કારની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

પોલીસે ચોરાયેલી કાર મળી રૂા.3.12 લાખનો મુદ્ામાલ કબજે કર્યો

વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલી મારુતિ સુઝુકી ઇકો કારનો ભેદ વાંકાનેર સીટી પોલીસે થોડા જ દિવસોમાં ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરાયેલી કાર અને બે મોબાઇલ મળી કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.વાંકાનેરના દિગ્વિજયનગર (પેડક) સોસાયટી જસદણ સીરામીક વાળી શેરી વિસ્તારમાંથી ગત 26 જુલાઈ 2026ના રોજ મનસુખભાઈ પોપટભાઈ બોચીયાની મારુતિ સુઝુકી ઇકો કાર રજી.નં. જીજે-36-એલ-1975 ચોરી થઈ હતી. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચોર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ત્યારે વાંકાનેર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ઢુંવા બ્રિજ નજીકથી બે શંકાસ્પદ ઈસમોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેમણે કાર ચોરીની કબૂલાત આપી હતી. પકડાયેલા આરોપીઓમાં રાકેશ ઉર્ફે રોકી મગનભાઈ વાઢેર રહે. દિગ્વિજયનગર વાંકાનેર અને જાવિદભાઈ ગફારભાઈ તરીયા રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળાની પાસેથી પોલીસે રૂ.3 લાખની ચોરાયેલી ઇકો કાર તથા રૂ.12 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ આરોપી રાકેશ ઉર્ફે રોકી સામે અગાઉ અમદાવાદ અને રાજકોટમાં ચોરી તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે.

રિલેટેડ ન્યૂઝ