મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટમાં રૂ.268 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ -ખાતમૂહુર્ત કરાયું
268 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ- ખાતમુહૂર્તથી રંગીલા રાજકોટના વિકાસમાં વધુ એક વિકાસરૂપી રંગનું પીછું ઉમેરાયું: શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા
મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનગરપાલિકાના રૂ. 153.35 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 94.42 કરોડના 13 કાર્યોનું લોકાર્પણ કરાયું: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂ. 20.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓડિટોરિયમ, લાઈબ્રેરી અને હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં મહાનગરપાલિકા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ રૂ. 268 કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે થોરાળા ગામના 87 ખેડૂતોને આજી-1 ડેમના જમીન સંપાદનને કારણે રી-ગ્રાન્ટ થયેલી જમીનના ટાઈટલ હક આપવા અંતર્ગત ગામ નમૂના નં. 7/12નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોય એને કેટલા ઊંચા સ્તરનો હોય તેનો અનુભવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને કરાવ્યો છે. રાજકોટવાસીઓને વિકાસનો સૌથી વધુ અનુભવ છે. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી, વીજળીના પારાવાર પ્રશ્નો હતા. જો સૌની યોજના ન આવી હોત તો સૌરાષ્ટ્ર છોડવું પડ્યું હોત, એવો પ્રતિભાવ જન પ્રતિનિધિઓ વ્યક્ત કરે છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ સાથે વારસાના જતનનો સંદેશ આપ્યો છે. વારસા સાથે સંસ્કાર, ધર્મ, સંસ્કૃતિ જોડાયેલા છે અને તે આપણા પાયામાં છે, તેનું ધ્યાન રાખવું પડશે. તેમણે યુવાનોને પ્રેરણા આપતા કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણા સ્વભાવમાં હોવા જોઈએ.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ રાજકોટને કલા અને સાહિત્યની ભૂમિ ગણાવતા કહ્યું હતું કે, આજે રૂ. 268 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી રંગીલા રાજકોટના વિકાસમાં વિકાસરૂપી રંગનું વધુ એક પીછું ઉમેરાયું છે. બે દિવસ પહેલા વંદે ભારત ટ્રેન દ્વારા અઢી કલાકમાં સુરતથી અમદાવાદ માનવહૃદય પહોંચાડીને અંગદાન કરવામાં આવ્યું તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વંદે ભારત અને વિકાસ આજે કોઈને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા છે.
તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.11.91 કરોડના ખર્ચે નિર્મિત ઓડિટોરિયમમાં દેશ અને પરદેશના નિષ્ણાતોના સેમિનારો થકી જ્ઞાનનો પ્રસાર થશે, અહીં વિવિધ કાર્યક્રમો થકી છાત્રોના વ્યક્તિત્વનું ઘડતર થશે. રૂ. 7.71 કરોડના ખર્ચે નિર્મિત નોલેજ રિસોર્સ સેન્ટર કમ લાઈબ્રેરી છાત્રોની જ્ઞાનપીપાસાની પોષક બનશે. જ્યારે રૂ. 68.57 લાખના ખર્ચે બનેલું હેલ્થ સેન્ટર આશીર્વાદ રૂપ બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હીરક જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર તરફથી ’પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન’ (પી.એમ. ઉષા) હેઠળ ’મેરુ યુનિવર્સિટી’ એટલે કે ’મલ્ટિડિસીપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી’નો દરજ્જો મળ્યો છે. જેના અંતર્ગત 100 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. દેશભરની આવી 35 યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયાનો અમને ગર્વ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂ. 11.91 કરોડના ખર્ચે નવીન ઓડિટોરિયમ, રૂ. 7.71 કરોડના ખર્ચે નોલેજ રિસોર્સ સેન્ટર તેમજ રૂ. 68 લાખના ખર્ચે હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આ અવસરે મેયર નેહલ શુક્લે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સતત પ્રજાહિત અને વિકાસ કાર્યો માટે કટિબદ્ધ રહી છે. રાજ્ય સરકાર શહેરોના સર્વાંગી વિકાસને સતત પ્રોત્સાહન આપી રહી છે. સરકારની નીતિ પથ્થરો અને પર્વતોને ચીરીને પણ પ્રજા માટે પ્રગતિના નવા રસ્તાઓ કંડારવાની રહી છે અને સરકાર સત્યનિષ્ઠા સાથે સતત પુરુષાર્થ કરી રહી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનગરપાલિકાના રૂ. 153.35 કરોડના 13 વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું તેમજ રૂ. 94.42 કરોડના 13 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રૂ. 11.91 કરોડના ખર્ચે નિર્માણ પામેલું નવીન ઓડિટોરિયમ, રૂ. 7.71 કરોડના ખર્ચે બનેલી લાઈબ્રેરી તેમજ રૂ. 68 લાખના ખર્ચે તૈયાર થયેલા હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલ ’સ્વચ્છ હાથ, પોષણ સાથ’ અંતર્ગત જિલ્લાના 874 પી.એમ. પોષણ કેન્દ્રોના રસોઈયા અને મદદનીશ બહેનોને એપ્રન, હેન્ડ ગ્લવ્ઝ તથા કેપનું વિતરણ કરાયું હતું.
આ સમારોહમાં રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરિયા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. ટીના કલ્યાણ, માધવભાઈ દવે સહિત અગ્રણીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
